મહેસાણા,તા.૯  

મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશન અને જોરણંગ રોડ ઉપર છેલ્લા બે દિવસથી માતેલા આખલાએ આતંક મચાવી ૧૦થી વધુ લોકોને ઇજા પહોંચાડી છે. જેમાં પીંક સોસાયટીમાં ચોકીદારી કરતા આધેડને આખલાએ ભેટી મારી તેમના ઉપર કૂદતાં ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ગામલોકોએ આખલાને પકડવા માટે વેટરનરી તબીબની મદદ લીધી હતી. વેટરનરી તબીબની પ્રાથમિક તપાસમાં આખલાને હડકવા ઉપડ્યો હોવાનું મનાય છે.પીંક સોસાયટીની બાજુમાં માર્બલના કારખાનામાં ચોકીદાર તરીકે ૭ વર્ષથી કામ કરતા રાણાજી સોમાજી ઠાકોર ઘરેથી નીકળી કારખાને જઇ રહ્યા હતા.દરમિયાનમાં આખલાએ પાછળથી ભેટી મારી જમીન ઉપર પછાડી બેથી વધુ વખત તેમના શરીર પર કૂદયો હતો. 

 આખલાના અચાનક હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાણાજીએ આખલાના હુમલાથી બચવા માટે બૂમાબૂમ કરી મુકી હતી. આ બૂમો સાંભળી આસપાસમાંથી ભેગા થયેલા લોકોની મદદથી તેમને આખલાની ચુંગાલમાંથી છોડાવી તાત્કાલિક મહેસાણાની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત થયું હતું. જ્યારે ગામમાં આતંક મચાવનારા આખલાને ગામના સરપંચ, તલાટી તેમજ ગામલોકોએ ભેગા મળી પકડી વેટરનરી તબીબને બોલાવ્યા હતા.તેને બેભાન કરવા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. ગામના તલાટી કમલેશભાઇ પટેલે કહ્યું કે, આખલાએ ૧૦થી વધુ લોકોને ઇજા કરી હતી.રાણાજી ઠાકોરની ઉપર કૂદતાં તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું હતું.