ગાંધીનગર-

રાજ્યના અનેક ભાગોમાં આજે રાત્રિથી હવામાનમાં પલટો આવી શકે તેમ છે અને વાદળછાયુ વાતાવરણની શક્યતા છે. તા.૧૨મી ડિસેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કિનારાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં હળવું માવઠું થવાની શક્યતા છે. ઠંડી પણ ઘટવાની શક્યતા છે. અરબ સાગરમાં ચક્રવાતની અસરથી આ માવઠું થવાની શક્યતા છે પરંતુ ચક્રવાતની અસર ગુજરાતના ભાગોમાં ન થતા ચક્રવાત સમુદ્રમાં સમાઈ જાય અથવા ઓમાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે. ગુજરાતમાં ઠંડી અંગે હજુ એક સપ્તાહની રાહ જાેવી પડે તેમ છે. તા.૧૨ ડિસેમ્બર સુધીમાં જમ્મુ-કાશ્મીર, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોમાં પણ વાદળવાયું, હવામાનમાં પલટો થવાની શકયતા છે. 

માવઠાની શક્યતાથી જીરા જેવા પાકોમાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા. વિપરિત હવામાનની વિષમ અસરના કારણે ઉભા કૃષિ પાકોમાં જીવાત આવી શકે. ઠંડી અંગે વધુ જાેતા તા.૧૫,૧૬,૧૭ ડિસેમ્બરમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પણ ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ૧૦મીથી ૧૩મી ડિસેમ્બર સુધી છૂટાછવાયા વિસ્તારમાં માવઠું પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ૧૦મી બાદ વાતાવરણમાં પલટો જાેવા મળશે. ત્યારબાદ ૧૩મીને રવિવાર સુધીમાં ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં માવઠું પડી શકે છે. 

ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને નવસારી-વલસાડમાં જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય-ગુજરાતમાં વરસાદ પડે તેવી વકી છે. વધુમાં બુધવારે રાજ્યમાં સૌથી નીચું ૧૨.૫ ડિગ્રી તાપમાન વલસાડમાં નોંધાયું છે. નવસારીનું લઘુતમ તાપમાન ૧૨.૫ ડિગ્રી નોંધાયા બાદ બુધવારે વલસાડનું લઘુત્તમ તાપમાન ૧૨.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં બુધવારે વલસાડમાં સૌથી નીચું ૧૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરતની વાત કરીએ તો સુરતમાં રાત્રીનું તાપમાન ૧૮.૬ ડિગ્રી અને દિવસનું તાપમાન ૩૩.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૫૧ ટકા અને પવનની મહતમ ઝડપ પ્રતિકલાક ૪ કિલોમીટરની નોંધાઈ હતી.