મહેસાણા : રવિવારે મેઘરાજા ઉત્તર ગુજરાતમાં મન મૂકીને વરસ્યા હતા. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી અને ગાંધીનગરના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાતના અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કડી, બહુચરાજી, ભાભર, સરસ્વતી, સિદ્ધપુર જેવા તાલુકાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. મહેસાણા જિલ્લામાં વરસાદ સતત આઠ કલાક ચાલુ રહેતાં રોડ, નાળાં અને સોસાયટીઓ બેટમાં ફેરવાઇ ગઇ હતી. જનજીવન અસરગ્રસ્ત થયુ હતું. સૌથી વધુ વરસાદ કડીમાં ૧૨ ઇંચ ખાબક્યો હતો. જેમાં જૈન દેરાસર પાછળ મકાનની દીવાલ પડતા ભાઇ-બહેન દટાયા હતા. જેમાં ૧૦ વર્ષીય બાળકનું મોત થયું હતું. મહેસાણા બાયપાસ બ્રિજના ડાયવર્ઝનમાં કેડસમા પાણીથી રસ્તો બંધ કરી પોલીસ ગોઠવાઇ હતી. વસાઇનું તળાવ ઓવરફ્લો થતાં વસઇ-ગોઝારિયા રસ્તો નાના વાહનો માટે બંધ કરી દેવાયો હતો. સિદ્ધપુરના ૨૨ લોકોનું સ્થળાંતર કરાયું હતું. જ્યારે બે મકાનોની છત પડવાના કારણે બે વ્યક્તિને ઇજા થઇ હતી. સિદ્ધપુર પાસે સરસ્વતી નદીમાં પાણી આવ્યું હતું. પાટણમાં એનડીઆર એફની એક ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે. કડીમાં ૧૦ વર્ષના બાળકનું મોત થયું હતું. બહુચરાજીના ડોડીવાડામાં વીજળી પડતાં ૩ને ઇજા થઇ હતી.મહેસાણામાં ૧૦૦ લોકોનું સ્થળાંતર કરાયું હતું. પાલનપુરમાં ૨૪ કલાકમાં જ સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરના નિચાણવાળા વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયા હતા. હરીપુરા,ગણેશપુરા, આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. કેટલાક સ્થાનિકો ઘર વખરી સાથે ઉંચા વિસ્તારમાં હિજરત કરતા નજરે પડ્યા હતા. જ્યારે બ્રીજેશ્વર કોલોની માર્ગના વાહન ચાલકો અન્ય રસ્તે પસાર થવા મજબૂર બન્યા હતા.