વડોદરા

રાજ્યનું યુવાધન હવે નશા માટે ડ્રગ્સ તરફ વળ્યું છે. દારૂ, ચરસ, ગાંજા બાદ હવે ડિઝાઈનર ડ્‌્રગ્સ એમડીની માગ વધતાં ડ્રગ્સ ડિલરો અને પેડલરો પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાતા મિયાઉ એટલે કે એમડીનો જથ્થો મુંબઈથી ગુજરાતમાં લાવવાનું શરૂ કર્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે આજે કરજણ ટોલનાકા ઉપર વોચ ગોઠવી હતી, એ દરમિયાન મુંબઈ તરથફી આવતી ઈનોવા કારને આંતરી ૯૯ ગ્રામ એમડી સાથે એક શખ્સને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બાતમીને આધારે મુંબઇથી એક શખ્સ ડ્રગ્સના જથ્થા સાથે વડોદરા તરફ આવી રહ્યો હતો ત્યારે એનસીબીની ટીમે ગુરુવારે રાત્રે કરજણ ટોલનાકા ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન મુંબઈથી આવી રહેલી ઇનોવા કારને એનસીબીની ટીમે રોકી હતી. કારમાં સવાર અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેતા અસલમ પઠાણના સામાનની તલાશી લેતાં તેની પાસેથી ૯૯ ગ્રામ એમડી ડ્રગ્સની પડીકીઓ મળી આવી હતી, જેની કિંમત રૂા.૨.૯૯ લાખ થાય છે. એનસીબીની ટીમે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને અમદાવાદના અસલમ અખ્તરખાન પઠાણની ધડપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જાણવા મળ્યા મુજબ ઇનોવા કાર મુંબઇથી અમદાવાદ જવા માટે ભાડેથી લેવામાં આવી હતી. બે મહિના પહેલા ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી ૧૬.૩૦ લાખ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. જેમાં અમાન મોહમદહનિફ શેખ (રહે. ૧૯, આઝાદનગર, ઇન્દોર ) અને મોહમદરીઝવાન મોહમદરસીદ ખાન(રહે. ૩, આઝાદનગર, વોટર પંપ પાસે, ઇન્દોર, મધ્યપ્રદેશ) મળી આવ્યા હતા. પોલીસે બંને પાસેથી રૂા.૧૬.૩૦ લાખની કિંમતનું ૧૬૩ ગ્રામ એમડી/મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અને એનડીપીએસનો ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરી હતી.

દિલ્હીની કાર મુંબઈથી ભાડે કરી અને આઈપીએલનું સ્ટીકર લગાડેલી હતી

ડ્રગ્સને લઈને જતી ઝડપાયેલી કારમાં ઓન વીવીઆઈપી ડયૂટી આઈપીએલ મુંબઈ ઈન્ડિયન્સ લખેલ સ્ટીકર મળી આવ્યું છે. મુંબઈથી અમદાવાદ જવા ભાડે કરાયેલી આ કારનું એનો નંબર ડીએલ-૧ એનએ ૨૭૫૬ છે. આ કાર દિલ્હીથી મુંબઈ કેવી રીતે પહોંચી અને મુંબઈથી ગુજરાતમાં પ્રવેશ ત્યારે આરટીપીસીઆર ટેસ્ટ થયો કે નહીં એની તપાસ ચાલી રહી છે.