ગાંધીનગર-

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૨ તાલુકામાં મેઘમહેર થઈ છે. લો-પ્રેશર સક્રિય થતા રાજયમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વહેલી સવારે ભાવનગરનાં મહુવા, જેસર, તળાજા, પાલિતાણા, અમરેલી, ગીર સોમનાથ, રાજુલા સહિતના વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. રાજયમાં વરસાદ ફરી એકવાર પાછો ફર્યો છે અત્યાર સુધીમાં રાજયમાં ૧૩૨ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 

રાજ્યમાં મેઘરાજાએ સપ્ટેમ્બરના અંત સુધી મહેર વરસાવવાનું જારી રાખ્યું છે. આજે સવારે ૬ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાકમાં રાજ્યના ૧૧૪ તાલુકામાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના નવસારીના વાંસદા અને તાપી જિલ્લાના ઉચ્છલમાં ૪-૪ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર વધુ રહી છે અને તમામ ૩૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં તમામ તાલુકામાં વરસાદ છે. તેમાં પણ નવસારીના વાંસદામાં ૪ ઈંચથી વધુ, તાપીના કુકરમુંડામાં ૪ ઈંચ, વડોદરાના કરજણ, સુરતના ઉમરપાડામાં ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડા અને નર્મદાના નાંદોડમાં ૩ ઈંચ, તાપીના નિઝર અને ડોલવણ, સુરતના માંડવી અને સુરત શહેર તથા ડાંગના વધઈ અન પોરબંદરના કુતિયાણામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના બારડોલી, મહુવા અને માંગરોળ, જૂનાગઢના વિસાવદર, નવસારીના ખેરગામ અને નવસારી, રાજકોટના ધોરાજી, ભરૂચ, તાપીના ઉચ્છલ, સોનગઢ અને વ્યારા, ડાંગના આહવા, વડોદરાના પાદરા, છોટાઉદેપુરના ક્વાંટ, વલસાડના ધરમપુર અને નર્મદાના સાગબારામાં ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.