ગાંધીનગર-

રાજ્યમાં હાલમાં સરકારી હોસ્પિટલોના ઈન્ટર્ન ડૉક્ટરો વધારે સ્ટાઈપેન્ડ મેળવવા મુદ્દે હડતાળ પર ઉતર્યાં છે. છેલ્લા આઠ મહિનાથી કોવિડ ડ્યુટીમાં લાગેલા આ ઈન્ટર્ન ડૉક્ટરોની માંગ છે કે હાલમાં તેમને 12 હજાર 800 રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળે છે. જે દેશનાં બીજા રાજ્યો કરતાં ઓછું છે. જેથી હવે તેમને 20 હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે. આ હડતાળ મુદ્દે રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ તેમજ આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે મેડિકલ ઈન્ટર્ન્સની હડતાળ ગેરકાયદેસર છે. તેઓ હડતાળ પાછી નહીં ખેંચે તો આવતીકાલથી તેમની ગેરહાજરી પૂરવામાં આવશે અને ગેરહાજર રહેશે તેમને PGમાં એડમિશન નહીં મળે.

નીતિન પટેલે જણાવ્યું કે અમે અગાઉ કેન્દ્ર સરકારને પત્ર લખીને મોરબીમાં મેડિકલ કૉલેજ શરૂ કરવાની પરવાનગી માંગી હતી. હવે કેન્દ્ર સરકારે પરવાનગી આપતા ગુજરાતમાં મેડિકલ કૉલેજની સંખ્યામાં વધારો થયો છે. ચાલુ વર્ષથી જ મોરબીમાં 100 બેઠક ધરાવતી નવી મેડિકલ કૉલેજને મંજૂરી આપી દેવામાં આવી છે.

પત્રકારોને નીતિન પટેલે જણાવ્યું કે અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની સ્થિતિને જોતા અગાઉ સાંજની OPD બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાની સ્થિતિ હળવી થતા અમદાવાદ સિવિલમાં અને ટ્રોમા સેન્ટરમાં OPD શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગની સારી કામગીરી અને પ્રજાની જાગૃતિના કારણે હાલમાં કોરોનાની 84% પથારી ખાલી છે. અમદાવાદમાં નાઇટ કર્ફ્યૂ અને અન્ય તમામ સ્થિતિને જોતા ગુજરાતની જનતાના સહયોગથી કોરોના પર નિયંત્રણ લેવામાં આપણે સફળતા મેળવી છે.

સોલા સિવિલમાં વેક્સિનના ટ્રાયલમાં સાઇડ ઇફેક્ટની કોઈ ફરિયાદ નથી નીતિન પટેલે ઉમેર્યું હતું કે સોલા સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની વેક્સિનની પ્રથમ ટ્રાયલ ચાલી રહી છે. અત્યારસુધી આ ટ્રાયલ લેનારા એક પણ વ્યક્તિને કોઈપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થઈ નથી. જેથી રસીનો ડોઝ લેનારને હવે બીજો ટ્રાયલ શરૂ કરવામાં આવશે. જે તે શહેરના નામાંકિત ડૉક્ટરોની માનદ સેવા સરકારી હૉસ્પિટલને મળશે.  નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં પ્રેક્ટિસ કરતા ખાનગી હોસ્પિટલોના નિષ્ણાત તબીબો સરકારી હૉસ્પિટલમાં માનદ સેવા આપશે. સરકારે આ માટેનું આયોજન કર્યું છે અને રાજ્યમાં નાગરીકોને ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની સેવા સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે પ્રાપ્ત થશે.