વડોદરા : રેમડેસિવિર ઈન્જેકશનના કાળાબજાર કરતા મેડિકલ માફિયા પૈકી એક તબીબ અને મેલનર્સને પીસીબીની ટીમે છટકું ગોઠવીને બે જુદી જુદી જગ્યાઓ ઉપરથી ઝડપી પાડયા છે. રેમડિસિવિર ઈન્જેકશન કોરોનાની સારવારમાં જીવનરક્ષક સાબિત થતા હોવાનું માનવામાં આવે છે, જેની હાલમાં ખૂબ જ અછત વર્તાઈ રહી છે. જરૂરિયાતવાળા દર્દીઓના સગાંઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે છતાં મળતા નથી ત્યારે આવા મોકોનાનો લાભ લેતા તત્ત્વોને ઝડપી પાડવા પોલીસ સક્રિય થઈ હતી. પીસીબીને બાતમી મળતાં રૂા.૭૫૦૦માં રેમડિસિવિર ઇન્જેક્શન વેચતા ડોક્ટરને ઝડપી પાડ્યો છે અને પીસીબીએ પકડાયેલા ડોકટરની મદદથી ૯ હજારની કિંમતમાં રેમડિસિવિર ઇન્જેક્શન વેચતા મુસ્લિમ મેડિકલ સેન્ટરમાં મેલનર્સને ઝડપી પાડ્યો છે. પોલીસે બંનેની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પીસીબી પોલીસે બાતમી મળતાં પોલીસે છટકું ગોઠવ્યું હતું અને રેમડિસીવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા ઇસમોને પકડવાની તૈયારી કરી હતી. એએસઆઇ હરીભાઇ વિરમભાઇએ કોલ કરીને એક ઇસમને રેમડિસિવિર ઇન્જેક્શન અંગે પૂછપરછ શરૂ કરી હતી અને કહ્યું હતું કે, અમારો સંબંધી સ્પંદન હોસ્પિટલમાં દાખલ છે અને તાત્કાલિક ઇન્જેકશનની જરૂરિયાત છે તેવું કહેતાં ઇસમે એક ઇન્જેક્શન રૂા.૭૫૦૦માં મળશે તેમ જણાવ્યું હતું. હરીભાઇને કાળાબજારી કરનારે ૫ઃ૪૨ વાગ્યે ફોન કરીને પૂછ્યું હતું કે તમે હાલ કયાં છો? જેથી હરીભાઇએ જણાવ્યું હતું કે તેઓ સુરસાગર બંબાખાના પાસે છે, જેથી ઇસમે પોતે રાવપુરા ટાવર સામે ઊભો છું તેમ જણાવ્યું હતું. ત્યાં આવવા જણાવતાં પોલીસ રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે આવી ગોઠવાઇ ગઇ હતી. હરીભાઇ ત્યાં પહોંચતાં ઇસમે હાથ ઊંચો કરીને પોતાની ઓળખ છતી કરી હતી. પોલીસ ત્યાં પહોંચતાં પૈસા આપ્યા હતા અને કારમાંથી ઇસમે ઇન્જેક્શન આપતાં રંગેહાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં તેનું નામ ડો.ધીરેન દલસુખભાઇ નાગોરા (ઉં.વ.૪૧, રહે.ડી-૮૪, પાવનધામ સોસાયટી, વૈકુંઠ-૨ પાસે, ખોડિયારનગર, વારસિયા રિંગ રોડ)નો હોવાનુ જણાવ્યું હતું. ડો. ધીરેન નાગોરા પાસે ઇન્જેકશન ખરીદી કરવાનું પ્રિસ્ક્રિપ્શન અને વેચાણ કરવાનું લાઈસન્સ કે પરમીટ માગતાં તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. તેને ઇન્જેક્શની કિંમત ૨૫૦૦ રૂપિયા હોવાનું કબૂલ્યું હતું. તે આર્થિક ફાયદા માટે રૂા.૭૫૦૦માં ઇન્જેક્શન વેચતો હતો. વધુ પૂછપરછ કરતાં આરોપી ડોક્ટરના મિત્ર જીગાએ કૃણાલ નામના ઇસમને ફોન કરીને બોલાવ્યો હતો અને કૃણાલે પોતાને ઇન્જેકશન રૂા.૫૦૦૦માં આપ્યું હતું.પોલીસે આરોપી ડોક્ટર પાસેથી ૩૦ હજારની કિંમતનો આઇફોન-૧૧, ૧૦ હજારની કિંમતનો બીજાે મોબાઇલ, ઇન્જેક્શનના સ્વીકારેલા ૭૫૦૦ રૂપિયા અને વધુ ૬૨,૫૦૦ રૂપિયા પણ મળી આવ્યા હતા. કારમાં તપાસ કરતાં વધુ ઇન્જેક્શનો મળ્યા નહોતા, પરંતુ કારના ડેસ્ક બોર્ડ ઉપર વૃંદાવન હોસ્પિટલ એન્ડ આઇસીયુના ડો.ગૌરાંગ બી.પટેલ એમ.ડી. ફિઝિશિયનના લેટર પેડવાળું પ્રિસ્કીપ્શન મળી આવ્યું હતું. જેમાં દર્દીનુ નામ રમેશભાઇ પટેલ લખ્યું હતું, જેની નીચે ઇન્જેકશન ટોસિલિઝુમેબ અને તેની નીચે ડો.ગૌરાંગ બી.પટેલના ડિગ્રી તથા નામ-સરનામા અને રજિસ્ટ્રેશન નંબરનો સિક્કો માર્યો હતો. તેની સાથે દર્દી રમણભાઇ પટેલનું સંમતિપત્ર ડો.ગૌરવ પટેલના સહી-સિક્કા સાથેનું તથા રમણભાઇ શંકરભાઇ પટેલના આધારકાર્ડની ઝેરોક્ષ નકલ મળી આવી હતી, જે પ્રિસ્ક્રિપ્શન બાબતે પૂછપરછ કરતાં દર્દીને આ ઇન્જેકશનની જરૂરિયાત હોવાથી ડોક્ટરે લખીને આપ્યું હતું. ગઇકાલે વાસદ જઇને ટોસિલીઝુમેબનું એક ઇન્જેકશન ૪૩ હજાર રૂપિયામાં લાવીને આપ્યું હતું. પોલીસે ડો.ધીરેન નાગોરા અને ગેરકાયદેસર ઇન્જેકશન સપ્લાયર કૃણાલ વિરૂદ્ધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

મુસ્લિમ મેડિકલ સેન્ટરનો મેલનર્સ ૯ હજારમાં વેચતો હતો

પીસીબીએ ડોક્ટરની વધુ પૂછપરછ કરતાં મુસ્લિમ મેડિકલ સેન્ટરમાં મેઇલ નર્સ તરીકે નોકરી કરતો રાહુલ વાળંદ પણ આ રેમડિસિવિર ઇન્જેકશનો વેચતો હોવાનું જણાવ્યું હતું. જેથી પીસીબીની ટીમે ડો.ધીરેન નાગોરાને રાહુલને ફોન કરવા માટે જણાવ્યું હતું, પહેલા તો રાહુલે ઇન્જેક્શન આપવાની ના પાડી હતી, પરંતુ આજીજી કરતા કોવિફોરનું એક ઇન્જેકશન છે તેના રૂા.૯ હજાર રૂપિયા થશે તેમ જણાવ્યું હતું, જાેઇતું હોય તો ૧૦ જ મિનિટમાં આર્યુવેદિક ત્રણ રસ્તા આવી જાઓ તેવી વાત કરી હતી. તુરંત જ પોલીસ ભવનથી ખાનગી વાહનોમાં રવાના થઇને પોલીસકર્મીઓ આર્યુવેદિક ત્રણ રસ્તા ખાતે આવી છૂટાછવાયા વોચમાં ગોઠવાઇ ગયા હતા. ફરીથી પોલીસે ડો.ધીરેન પાસે ફોન કરાવતાં તેણે ૧૦-૧૫ મિનિટ ઊભા રહો, આવું છું તેમ જણાવ્યું હતું. થોડી વાર પછી એક ઇસમ બાઇક પર આવતાં ઇશારો કરતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસની વધુ પૂછપરછમાં તેણે પોતે રાહુલ પ્રવિણભાઇ વાળંદ (ઉં.વ.૨૩, રહે. મુસ્લિમ મેડિકલ સેન્ટર, દવાખાનામાં હરણખાના રોડ, પાણીગેટ, મૂળ રહે. ગામ દેવ પટેલ ફળિયું, તા.બાલાસિનોર, જિ. મહિસાગર)નો હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી રેમડિસિવિર ઇન્જેક્શન મળી આવ્યું હતું અને તેની પાસે ઇન્જેકશન ખરીદી કરવાનું પ્રિસ્ક્રિપ્શન અને વેચાણ કરવાનું લાઈસન્સ કે પરમિટ માગતાં જે તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. આરોપી પાસેથી કોવિડ હેલ્થ કેર સેન્ટર એમજીડી વાયએમએમસી એન્ડ બીએમડીએ હરણખાના રોડ પાણીગેટ વડોદરાનું કોવિડ-૧૯ ફાઈટર વાળંદ રાહુલ એમ.ના નામનું ફોટા વગરનું આઇકાર્ડ, જેના પર ડો.એમ.હુસેનના નામનો સિક્કો તથા સહી કરેલા હતા. પોલીસે તેની પાસેથી મોબાઇલ, બાઇક, ઇન્જેક્શન સહિત ૫૯,૫૦૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પાલિકાની ટીમો દ્વારા તમામ વિસ્તારોમાં પ્રજાને જાગૃત કરવાનું કામ કરાયું

પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આયુર્વેદિક ત્રણ રસ્તા ખાતે કોવિડની સોશિયલ ડિસ્ટનસ જાળવવા અને માસ્ક અવશ્ય પહેરવા માટે એનાઉસમેન્ટ કરી અને પ્લેકાર્ડ સાથે રાખીને જાગૃતતા ફેલાવવામાં આવી હતી.વોર્ડ ૧૧માં આવેલ બી એસ એન એલ સર્કલ ખાતે સ્વિગી અને ઝોમેટોમાં કામ કરતા કર્મચારીઓને સમજ આપી જનજાગૃતિ માટેના લિફ્લેટ આપ્યા હતા. ઉમા ચાર રસ્તા ખાતે આવેલ વિવિધ કોમ્પલેક્ષ અને દુકાનોમાં પણ લીફ્લેટનું વિતરણ કરાયું હતું .વોર્ડ ૯માં આવેલા પાણીગેટ ચાર દરવાજા અને ભદ્ર કચેરી વિસ્તારમાં ચાની લારીઓ તેમજ રાહદારીઓને લીફ્લેટ નું વિતરણ, રાણેશ્વર ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પંપ ખાતે આવતા નાગરિકોને લીફ્લેટ નું વિતરણ તેમજ પ્લેકાર્ડ રાખીને જાગૃતતા ફેલાવવામાં આવેલ હતી વોર્ડ નંબર ૧૨ની જેટ ટીમ દ્વારા જીઆઈડીસી વડસર રોડ પર આવેલ લારીના વેપારીઓને ત્યાં પોસ્ટર લારી ઉપર લગાડ્યા હતા. વોર્ડ ૧૧માં આવેલ ગોત્રી શાકભાજી માર્કેટ ખાતે બજાર માં એનાઉસમેન્ટ કરી અને પ્લેકાર્ડ સાથે રાખીને જાગૃતતા ફેલાવવામાં આવી હતી .તેમજ શાકભાજીના વેપારીઓને સૂચના આપી હતી. વોર્ડ ૧માં મંગળ બજારમાં આવેલી વિવિધ દુકાનોમાં અને વેપારીઓ તથા ફેરિયાઓને લીફ્લેટનું વિતરણ કરાયું હતું.

૧૦૦ વેન્ટિલેટરના જથ્થા સાથે હૈદરાબાદથી બે ટ્રક આવી

ગત મોડી રાત્રે હૈદરાબાદથી ૧૦૦ વેન્ટિલેટરનો જથ્થો લઈને બે ટ્રક શહેરમાં આવી પહોંચી હતી.આ વેન્ટિલેટર ભારત ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદિત છે. આ વેન્ટિલેટર આજે સરકારી કોવિડ હોસ્પિટલો અને નિશુલ્ક બેડ વાળી ખાનગી હોસ્પિટલોને વિતરિત કરાશે.બાયોમેડિકલ ઇજનેરો અને ટેકનીશ્યનની તૈયાર રાખવામાં આવેલી ટીમ આ ઉપયોગી ઉપકરણોને સ્થાપિત કરી દેશે.

સાવલી તાલુકામાં ત્રણ હોસ્પિટલોને માન્યતા અપાઈ ઃ વધુ ૯૦ બેડની સારવાર સુવિધા વધશે

સાવલી તાલુકામાં ૩ ખાનગી હોસ્પિટલોને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકેની માન્યતાને પગલે ૯૦ બેડની સારવાર સુવિધા ઉપલબ્ધ થશે. જિલ્લા કલેક્ટર ધ્વારા સાવલી તાલુકાના ખાનગી હોસ્પિટલો સાથે બેઠક કરેલ હતી. જેના પરિણામ રૂપે સાવલી તાલુકામાં સંજીવની હોસ્પિટલ - પ્રમુખસ્વામી હોસ્પિટલને ૧માં ૨૫ આઇસોલેસન બેડની,કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ - કે.જે.આઇ.ટી.ને સેગમેન્ટ ૧ ના ૨૫ આઇસીયુ અને ૨૫ આઇસોલેસન બેડની અને શ્રીનાથજી હોસ્પિટલને ૧૫ આઇસોલેસન બેડની મંજુરી આપવામાં આવી છે.

શહેરના ૩૦, ગ્રામ્યના ૧૫ વિસ્તારોમાં સંક્રમણ

વડોદરા શહેરના અંદાજે ૩૦ જેટલા અને ગ્રામ્યના અંદાજે ૧૫ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ પ્રસર્યું છે. શહેરના જે વિસ્તારોમાં કોરોનાના કેસો જાેવા મળ્યા છે.એમાં બાપોદ,આજવા રોડ, કિશનવાડી, રામદેવનગર, સ્વાદ, વારસિયા, હરણી, કારેલીબાગ, વીઆઈપી રોડ, નવીધરતી, સમા, એકતાનગર, છાણી જકાત નાકા, ટીપી ૧૩, કાપુરાઇ, માંજલપુર, માણેજા, મકરપુરા, તાંદલજા, અકોટા, અટલાદરા, ગોત્રી, ગોરવા, દિવાળીપુરા, સુભાનપુરા, વાસણા રોડ વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.જયારે ગ્રામ્યના વિસ્તારોમાં પોર,ડભોઇ, ભાયલી, કોયલી,વાઘોડિયા, સાવલી, પાદરા, સેવાસી, શિનોર, વલણ, મીઠાપુર વગેરેનો સમાવેશ થાય છે.