મહુધા : મહુધા તાલુકા વિકાસ અધિકારી દ્વારા મીનાવાડાના પીવાનાં પાણીની પાઈપલાઈન નાખવાનાના કૌભાંડમાં તલાટી અને સરપંચને નોટિસ બાદ તલાટી અને સરપંચે નોટિસના ખુલાસામાં મહુધા એન્જિનિયર, બિલ મંજૂર કરનાર તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી અને નડિયાદ સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઈજનેરના માથે ઠીકરું ફૌોડ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારનો જવાબ મહુધા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે.  

સૂત્રોના જણાવ્યાં મુજબ, રાજ્ય સરકારના તાલુકા કક્ષાના અધિકારી દ્વારા કોઈની પણ શેહ અને શરમ રાખ્યા સિવાય મહુધા તાલુકાના ગામડામાં વ્યાપેલા ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવામાં આવ્યો છે. કેટલાંય ગામડામાં દલા તરવાડીની વાડીની માફક કરવામાં આવેલાં કૌભાંડોને શોધી કાઢવામાં આવ્યા છે અને નોટિસો મોકલી ખુલાસા અને શિક્ષાત્મક કાર્યવાહીની ચીમકી આપવામાં આવી હતી. આવાં જ મહુધાના મીનાવાડા ગ્રામપંચાયતના તલાટી અને સરપંચ દ્વારા ૩૮૭ મીટર પાણીની પાઇપલાઈન નાખ્યાં વિના ગળી જવામાં આવી હોવાની જાણ મહુધા તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલીયાની થઈ હતી. પરિણામેે કારણદર્શક નોટિસ આપી આ કૌભાંડની શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તેનો ખુલાસો માગવામાં આવ્યો હતો. જેને અનુસંધાને મહુધા તાલુકાના મીનાવાડાના સરપંચ અને તલાટીએ નોટિસનો જવાબ આપ્યો હતો.

જાણવા મળ્યાં મુજબ, મીનાવાડાના તલાટી કરસન રબારી અને સરપંચ સામંતસિંહ પરમારે આપેલા જવાબમાં જણાવ્યું છે કે, મહુધાના વર્ષ ૨૦૧૬-૧૭માં ફરજ બજાવતાં મદદનીશ ઈજનેર દ્વારા કરવામાં આવેલી તપાસ અને મેજરમેન્ટ બુક નિભાવ્યાં બાદ જિલ્લાના સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક તથા ઓડિટર દ્વારા મંજૂર કરવામાં આવેલાં બિલ અને તાલુકા વિકાસ અધિકારીના હુકમ આધારે ચૂકવણું કરવામાં આવ્યું હતું.

આનો સીધો મતલબ એમ થાય છે કે, મહુધાના મીનાવાડાના સરપંચ અને તલાટીની કોઈ જવાબદારી બનતી નથી. કૌભાંડ કરવામાં આવ્યું હોય તો બિલ મંજૂર કેવી રીતે થાય તેવો વેધક પરોક્ષ સવાલ ઊભો કરી મહુધાના વર્તમાન તાલુકા વિકાસ અધિકારીને જવાબ મોકલવામાં આવ્યો છે!

ખેડા જિલ્લાના વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના પારદર્શી વહીવટની ઠાલી વાતો વચ્ચે મીનાવાડાના તલાટી અને સરપંચે તાલુકા વિકાસ અધિકારીને ઊલટા ચશ્મા પહેરાવ્યાં હોવાની નગરમાં ચર્ચા થઈ રહી છે. જાેકે, મહિલા તાલુકા વિકાસ અધિકારી દ્વારા જવાબ ગ્રાહ્ય રાખવામાં આવ્યો નથી, તેવા અહેવાલ મળી રહ્યાં છે.

મહુધા તાલુકા અને જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ફોજદારી રાહે પોલીસ ફરિયાદ આપીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે તો જ અમલીકરણ અધિકારીની પ્રમાણિકતાને અને તેમની તપાસની વાત્સવિક્તા પ્રજા સમક્ષ લાવી શકાય તેમ હોવાનો નગરજનોના મોંઢે ગણગણાટ સાંભળવા મળ્યો હતો.