આણંદ : આગામી સમયમાં નાતાલનો તહેવાર તથા ૩૧મી ડિસેમ્બરની ઉજવણીઓને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં તકેદારીના પગલાં રૂપે સભા અને સરઘર બંધીના આદેશ ફરમાવવામાં આવ્યાં છે. હાલ સમગ્ર દેશમાં કોરોના વાઇરસ અંગે સરકાર તરફથી લોકડાઉન અંગે તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.સી. ઠાકોર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૩)થી મળેલ સત્તાની રૂઇએ સમગ્ર આણંદ જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ચાર કરતાં વધુ માણસોના એકત્ર થવા પર, ચાર કરતાં વધુ માણસોની કોઇ સભા ભરવા કે બોલાવવા કે સરઘસ કાઢવા પર તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે પ્રતિબંધ ફરમાવ્યો છે. 

સમગ્ર આણંદ જિલ્લામાં હથિયારબંધી લાગું

આગામી સમયમાં નાતાલનો તહેવાર તથા તા.૩૧મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઈને કોરોના મહામારીની સ્થિતિ જાેતાં આણંદના અધિક મેજેસ્ટ્રેટે સમગ્ર આણંદ જિલ્લામાં હથિયારબંધી લાગું કરી છે. આ દરમિયાન હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો સાથે રાખીને ફરી શકાશે નહીં. આ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.