સુરાત-

સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહયાં છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ત્રણ દિવસથી સતત વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે જયારે નાળાઓ તેમજ ખાડીઓ ઓવરફલો થઇ રહી છે.. દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહયાં છે. સાર્વત્રિક વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યાં છે.

રાજ્યમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં 6 કલાકમાં 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં પડ્યો છે. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી-પાણી થઇ ગયું છે. ભારે વરસાદથી સુરત બમરોલી ખાડી ઓવરફ્લો થઇ ગઇ છે. આઝાદનગરમાં પણ પાણી ભરાઇ ગયા છે. હાલમાં ઉકાઈ ડેમની સપાટી પણ 331.99 ફૂટે પહોંચી ગઇ છે. ડેમમાં પણ પાણીની આવક 1,88,162 ક્યૂસેક મીટર થઇ ગઇ છે.

ભારે વરસાદને કારણે ડેમમાંથી હાલમાં 600 ક્યુસેક મીટર પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાંથી તબક્કા વાર 1 લાખ ક્યુસેક પાણી છોડાશે. રાંદેર-કતારગામને જોડતો કોઝ-વે કમ વિયર ઓવરફ્લો થઇ ગયો છે. કોઝ-વેનું લેવલ પણ સવારનાં 10 વાગ્યે 7.54 મીટર થઇ ગયું હતું.