19, જુલાઈ 2025
બનાસકાંઠા |
2079 |
લાંબા વિરામ બાદ ફરી મેધરાજા સક્રિય, બે કલાકમાં બનાસકાંઠાના 9 તાલુકામાં મેઘમહેર
લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા ગુજરાતમાં સક્રિય થયા છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૈમાં સૌથી વધુ વરસાદ દાંતામાં નોંધાયો છે, જ્યાં માત્ર બે કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં બનાસકાંઠાના દાંતામાં 3.66 ઇંચ, પાલનપુરમાં 2.09 ઇંચ, લાખણીમાં 1.38 ઇંચ, ધાનેરામાં 1.6 ઇંચ, વડગામમાં 1.94 ઇંચ, સહિત તાલાકાઓમાં વરસાદ નોંધાયો છે. જો રાજ્યના અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો 25 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ ખાબક્યો છે.
દાંતા ઉપરાંત દાંતીવાડા અને પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, સવારથી શરૂ થયેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે,
હવામાન વિભાગ દ્વારા 26 થી 30 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.