મહેસાણા-

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને એના થકી ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. દેશી ગાયના પાલન માટે સરકાર માસિક રૂ.૯૦૦ પ્રોત્સાહક રકમ આપી રહી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના ખેતપેદાશોના વેચાણ માટે સરકારે આ પ્રકારના મહોત્સવ થકી પ્લેટફોર્મ પુરૂ પાડ્યું છે તેમ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે અમૃત આહાર મહોત્વના પ્રારંભે જણાવ્યું હતું . નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ઉમેર્યું હતું કે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય , ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડુતોની આવક બમણી થાય તે માટે રાજય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવેલ છે 

તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિની ખેતપેદાશો ઉત્પાદિત કરતા ખેડુતોને પ્રોત્સાહન મળે તથા માર્કેટ-વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેરમુક્ત શાકભાજી, અનાજ તથા અન્ય કૃષિ સંલ્ગન ખાદ્ય પેદાશો મળી રહે તેવા ઉમદા હેતુથી મહેસાણા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનોખા અમૃત મહોત્સવનું આયોજન કરાયું છે જે અભિનંદનને પાત્ર છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોની પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે સરકારે નવીન અભિગમ અપનાવ્યો છે જેના ભાગરૂપે મહેસાણા ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે અમૃત આહાર મહોત્સવનું આયોજન કરાયું છે.તા.૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર-૨૦૨૦ દરમિયાન ખેડુત તાલીમ કેન્દ્ર,હૈદરી ચોક,ધોબીઘાટ પાશે આયોજીત અમૃત આહાર મહોત્સવમાં વિવિધ વેચાણ સ્ટોલ પ્રદર્શિત કરાશે જેનો લાભ ખેડુતો લઇ શકશે 

અમૃત આહાર મહોત્સવ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો પોતાની પ્રાકૃતિક પેદાશો જેવી કે શાકભાજી,વિવિધ મસાલા પાકોની પેદાશો,બાજરી,ઘઉં,જેવા ધાન્ય તથા કઠોળ પાકોની પેદાશો,મગફળી તેલ સહિતના સ્ટોલમાં વેચાણ માટે પ્રદર્શિત કરાયા હતા.આ અમૃત મહોત્સવ આગામી ૩૧ ડિસેમ્બર સુધી યોજાશે. અમૃત આહાર મહોત્સવમાં ખેડુતોને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અંતર્ગત વિવિધ બાબતો જેવી કે જીવામૃત,બ્રહમાશ્ત્ર, મિશ્રપાક પ્રધ્ધતિ,દેશી અળસીયુ્ં સહિત વિસ્તૃત માહિતી પુરી પડાશે