મહેસાણા-

જિલ્લાના ખેરાલુ GIDCમાં આવેલા ઓઇલ મિલ અને જીનમાં સ્ટાર્ટર બંધ કરવા જતાં શોર્ટ સર્કિટથી ફેકટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખેરાલુ, વિસનગર, મહેસાણા અને વડનગર નગરપાલિકાની ફાયર ટીમને અગ્નિશામક સાધનો સાથે બોલાવી આગ પર કાબુ લેવા જહેમત ઉઠાવવામાં આવી હતી. જ્યાં કલાકો સુધી પાણીનો મારો ચલાવી ફાયર ટીમો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ લેવામાં આવ્યો હતો. ત્યારે એક અંદાજ પ્રમાણે ફેકટરીમાં લાગેલી આગને પગલે અંદાજે 40 લાખનો માલ અને 25 લાખની મશીનરીને નુકસાન પહોંચ્યું છે. જોકે, કોઈ જાનહાનિનો બનાવ બનવા પામ્યો નથી.

કડી રંગપુરડા ખાતે આવેલા વિવેકાનંદ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં કપાસની ગાસડીઓના ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાને પગલે આગ ભભૂકી ઉઠી હતી. જોકે, કપાસની ગાંસડીઓ હોવાથી આગ જોત જોતામાં વિકરાળ બની હતી. જેને પગલે કડી પાલિકાની ફાયર ટીમને જાણ કરતા ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યાં ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જોકે, આગને પગલે કોઈ જાનહાની થવા પામી ન હતી. તો ગોડાઉનમાં લાગેલ આગને પગલે માલ મિલકતના નુકસાન મામલે કોઇ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.