વડોદરા, તા.૧૫ 

છેલ્લાં છ મહિના ઉપરાંત સમયથી એટલે કે લૉકડાઉનથી સ્પોર્ટસ એક્ટિવિટી બંધ છે. અનલૉક-પમાં દેશભરમાં મોટાભાગના ધંધા-રોજગાર, મોલ-મલ્ટિપ્લેક્સ વગેરે શરૂ થઈ ગયા છે. સરકારની ગાઈડલાઈન સાથે સ્પોર્ટસ એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્સને હજુ ખોલવામાં નહીં આવતાં મેમ્બરો, પ્લેયરોએ પ્લેકાર્ડ સાથે રેલી યોજી દેખાવો કર્યા હતા અને સ્પોર્ટસ કોમ્પલેક્સ ખોલવાની માગ કરી હતી.અનલૉક-પમાં દેશભરમાં મોટાભાગના ધંધા-રોજગાર ધમધમતા થઈ ગયા છે. આજથી મલ્ટિપ્લેક્સ પણ ગાઈડલાઈન સાથે શરૂ થયા છે. પરંતુ સરકારના રમશે ગુજરાત-જીતશે ગુજરાતના સૂત્રને કોરોનાનું ગ્રહણ નડયું હોય તેમ શહેરના માંજલપુર સ્થિત કોર્પોેરેશન સંચાલિત સ્પોર્ટસ કોમ્પલેક્સ ખોલવામાં નહીં આવતાં રોષે ભરાયેલા સ્પોર્ટસ કોમ્પલેક્સના સભ્યોએ કોમ્પ્લેક્સની બહાર દેખાવો કર્યા હતા અને દરબાર ચોકડી સુધી રેલી યોજીને માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેકસ ખોલવાની માગ કરી હતી.સભ્યોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ચૂંટણીની મિટિંગો અને રેલીઓ યોજાઈ રહી છે. વડોદરાના મોટાભાગના રમત-ગમત સંકુલો ખૂલી ગયા છે. તો માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્સ ખોલવામાં કેમ આવતું નથી. ચૂંટાયેલા સભ્યો પણ સહકાર આપતા નથી. આ અંગે સ્પોર્ટસ ઓથોરિટીમાં રજૂઆત કરાઈ છે, છતાં સ્પોર્ટસ કોમ્પલેક્સ ખોલવામાં આવ્યું નથી. સરકાર ઈમ્યુનિટી વધારવાની વાત કરે છે પરંતુ ઘરમાં રહીને કેવી રીતે વધશે તેમ પણ ઉમેર્યું હતું.