વડોદરા : ભારતનું ચૂંટણી પંચ અચૂક મતદાન કરવાની ફરજની યાદ અપાવવા અને મતદાન કરવા માટે મતદારોને પ્રોત્સાહિત કરવા માટે મતદાર શિક્ષણ અને મતદાર સહભાગીદારીના કાર્યક્રમ સ્વીપનો અમલ કરાવે છે.કરજણ વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે મતદારોને અનુરોધ કર્યો છે. 

સ્વીપ હેઠળ કરજણ બેઠકના તમામ ૩૧૧ મતદાન મથકો ખાતે અવશ્ય મતદાનના શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા છે તેવી જાણકારી આપતાં સ્વીપના નોડલ અધિકારી અને સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર શ્રી જે.આર. ચારેલે જણાવ્યું કે, મતદાનની તારીખની જાણકારી ઘરે-ઘરે પહોંચાડવા બે હજાર ગેસ બોટલ અને ૪૦૦૦ વીજ બિલ પર મતદાન તારીખની જાણ કરતા સ્ટીકર લગાડી વિતરણ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડીયા પર ૩૫ ઇપોસ્ટર પ્રસારિત કરવામાં આવ્યાં છે.જ્યારે ૨૫ જેટલાં સોશીયલ મીડીયા ગ્રુપ અને સબ ગ્રુપના ૧,૩૨૮ સદસ્યો દ્વારા અંદાજે ૧.૫૨ લાખ લોકોને સંદેશ પહોંચાડવામાં આવ્યો છે.કરજણ અને શિનોરમાં સ્કૂટર/બાઈક રેલી પણ યોજવામાં આવી હતી. મોબાઈલ દ્વારા વોઇસ મેસેજ આપવામાં આવી રહ્યો છે. જ્યારે ૫૦ શાળા/કોલેજોમાં મતદાર જાગૃતિ રંગોળી હરીફાઈ યોજવામાં આવી હતી.