અમદાવાદ-

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગાત્રો થીજવતી ઠંડીનો ચમકારો યથાવત્‌ રહ્યો હતો. હજુ આગામી બે દિવસ કચ્છ સહિતના વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. શુક્રવારે કચ્છના નલિયામાં ૪.૩ ડીગ્રી લઘુતમ તાપમાન રહેતાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. આ સિવાય પાટનગર ગાંધીનગરમાં પણ ૨ ડીગ્રી જેટલો પારો ગગડતાં લઘુતમ તાપમાન ૬.૮ ડીગ્રી નોધાયું હતું, જે છેલ્લાં કેટલાંક વર્ષમાં જાન્યુઆરી મહિનાનું સૌથી નીચું તાપમાન હોવાનું અનુમાન હવામાન નિષ્ણાતો લગાવી રહ્યા છે. આ સિવાય બનાસકાંઠાના ડીસામાં પણ લઘુતમ તાપમાનનો પારો ૭.૯ ડીગ્રી નોંધાતાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો વર્તાયો હતો. અમદાવાદ શહેરમાં ગુરુવારે એક ડીગ્રી જેટલો પારો ઊંચકાયો હતો. શહેરમાં લઘુતમ તાપમાન ૧૧.૨ ડીગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં નીચે રહ્યું હતું.

આ પછીના ૩ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ૨ ડીગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાઇ શકે છે. નલિયામાં હજુ આગામી બે દિવસ પણ કોલ્ડવેવની સ્થિતિ રહેશે. દરમિયાન નલિયા-ગાંધીનગર ઉપરાંત ડીસા-કેશોદ-કંડલા-અમરેલી-વલ્લભવિદ્યાનગરમાં પણ સરેરાશ લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રીથી નીચે નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં કોલ્ડવેવની સ્થિતિ બનશે. જમ્મુ-કાશ્મીરમાં ઠંડી ૩૦ વર્ષનો રેકોર્ડ તોડી રહી છે. બે દિવસ પહેલાં કાશ્મીરમાં થયેલી બરફવર્ષાની અસરથી તાપમાનનો પારો સતત નીચે સરકી રહ્યો છે.

શ્રીનગરમાં લઘુતમ તાપમાન -૫.૬ ડીગ્રી સુધી નીચે ઊતરી ગયું. કાશ્મીરના પહાડી વિસ્તાર પહેલગામમાં -૧૨.૩ ડીગ્રી અને ગુલમર્ગમાં -૧૩.૪ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના મુખ્ય શહેર લેહમાં -૧૬.૮ ડીગ્રી તાપમાન, કારગિલમાં -૨૧.૩ ડીગ્રી અને દ્રાસમાં -૨૮.૧ ડીગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં ૧૧.૨ ડીગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૭ ડીગ્રીનો ઘટાડો, જ્યારે ૨૬.૭ ડીગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૫ ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં તાપમાન ૧૩ ડીગ્રીની આસપાસ તાપમાન રહેશે અને ત્યાર બાદ ઠંડીમાં ઘટાડો અનુભવાશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ઠંડીનું જાેર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાન ૧૫ ડીગ્રીથી વધી શકે છે.