ગાંધીનગર-

ગુજરાતનાં નવા નાણાંકીય વર્ષનાં બજેટમાં શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ માટે 23493 કરોડની જોગવાઈ કરવા સાથે અમદાવાદ-સુરત-ગાંધીનગર ઉપરાંત જામનગર સહીત અન્ય ચાર શહેરોમાં મેટ્રો સેવા શરૂ કરવાની યોજનાની દરખાસ્ત કરવામાં આવી છે. રાજયના નાણાપ્રધાન નીતિન પટેલે બજેટ પ્રવચનમાં કહ્યું હતું કે અમદાવાદ, સુરત તથા ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનનું યોજન કરી દેવાયું છે.હવે વડોદરા, રાજકોટ, ભાવનગર તથા જામનગરમાં પણ મેટ્રો લાઈટ-મેટ્રો નીઓ જેવી નવી ટેકનોલોજીવાળી મેટ્રો સેવા પુરી પાડવાનું આયોજન કરાયું છે અને તે માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ સિવાય સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મહાપાલિકા, નગરપાલિકા તથા શહેરી વિકાસ સતામંડળો માટે 4563 કરોડની જોગવાઈ કરવામા આવી છે. 2022 સુધીમાં શહેરી વિસ્તારોમાં સૌને આવાસ ઉપલબ્ધ કરાવવા માટે નવા 55000 આવાસ બનાવવા 900 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા તથા ગાંધીનગર મહાપાલીકાઓને સ્માર્ટ સીટી હેઠળ 700 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમૃત યોજના અંતર્ગત 8 કોર્પોરેશન તથા 23 નગરપાલિકામાં પાણી પુરવઠા, ગટર, વરસાદી પાણીનાં નિકાલ તથા પરિવહન સુવિધા માટે 650 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.