વડોદરા

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાધારકોએ અગાઉ કેવાયસી એટલે કે નો યોર ક્લાયન્ટની જરૃરીયાત મુજબ કાર્યવાહી પુરી કરી દીધી છે. હવે બેંક દ્વારા નવો એસએમએસ ખાતાધારકોને મોકલવામાં આવ્યો છેકે, તમારે પ્રિએલસીપી ફોર્મ ભરવાનું છે. રિઝર્વ બેંકના નવા નિયમોનો હવાલો આપીને આ સંદેશામાં જણાવાયું છેકે, તમારા ખાતામાં પ્રિ – એલસીપીસી ફોર્મ જમા કરાવવાનું છે. આ ફોર્મ ભરવા માટે ખાતેદારે હવે રૃબરૃ જઇને પોતાના બે ફોટા, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને આધારકાર્ડની બે ફોટોકોપી જમા કરાવવા માટે જણાવાયું છે. બેંકના કરોડો ખાતેદારોને હવે નવેસરથી આ પ્રિએલસીપી ફોર્મ ભરવાની કવાયત માટે દોડધામ કરવાની રહેશે.

સ્ટેટ બેંકની શાખાઓમાં હાલ કોરોનાના કારણે ખાતેદારોને લાઇનોમાં ઉભા રહેવું પડે છે ત્યારે લાયાબિલીટી એન્ડ સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર (એલસીપીસી) માટેનું ફોર્મ ખાતેદારોને ભરવું પડશે. રિઝર્વ બેંકના આ ફતવાથી ખાતેદારોમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. એક વખત કેવાયસી માટે કલાકો સુધી બેંકમાં લાઇનોમાં ઉભા રહ્યા અને ફોટા નવેસરથી પડાવ્યા, પાન , આધાર અને ચૂંટણી કાર્ડની પણ ફોટો કોપી કરાવવાનો ખર્ચ કર્યો હતો. આ તમામ ડેટા બેંક પાસે ઉપલબ્ધ હોવા છતાં હવે ફરીથી તમામ વિગતો ખાતેદારો શા માટે ફરીથી જમા કરવવી ? બેંકના કરોડો ખાતેદારોને ફરીથી સમય અને નાણાંનો ખર્ચ કરવા માટે શા માટે ર્નિણય લેવામાં આવ્યો તે અંગે પણ રિઝર્વ બેંકે જ સ્પષ્ટતા કરવી જરૃરી છે.

એલસીપીસીની શું ભૂમિકા?

બેંકના લાયાબિલીટી અને સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરની મુખ્ય કામગિરીમાં બેંકના ખાતેદારની લાયાબિલિટી (ડિપોઝિટ્‌સ)ને જાળવી રાખવી તે છે. આ ઉપરાંત પર્સનલાઇઝ્‌ડ ચેક બુક ઇસ્યુ કરવાનો છે. આ કેન્દ્રિકૃત સિસ્ટમ છે જે શાખાઓમાં બચત, કરંટ ખાતા ખોલવાના ફોર્મની જાળવણી કરવાનો છે. કેવાયસીની પૂર્તતાની ચકાસણી કરીને સિસ્ટમ ખાતામાં તમામ માપદંડો મુજબ કોર બેંકિંગ સિસ્ટમ ફોર્મ ભરાયા છે કે નહિ તેની ચકાસણી કરશે. સીબીએસમાં જે ખાતા ખોલવાના ફોર્મમાં ખાતેદારોને ફોટા,સહી બરાબર સ્કેન કરીને અપલોડ કરવામાં આવી છે કે નહિ તેની ચકાસણી કરાશે. હાલમાં ખાતા ખોલવાન કેન્દ્રિયકૃત રીતે ફોર્મ ડોક્યુમેન્ટ આર્ચિવલ સેન્ટરમાં જમા કરવામાં આવે છે.

જેની વિગતો ન હોય તેમને બોલાવો, તમામને શા માટે?

એસબીઆઇમાં નવા ખાતેદારોએ હોય કે જુના ખાતેદારો હોય તેમના ખાતા હાલ કેવાયસી થયા પછી જ ચાલે છે. આ સંજાેગોમાં શા માટે ફરીથી કવાયત કરીને કરોડોનો ખર્ચ ખાતેદારોના માથે મારવાનો હોય તે સમજાતું નથી. બેંક પાસે જાે વિગતો ન હોય તો તેવા ખાતેદારોને બોલાવો. તમામને શા માટે ફરીથી બોલાવવાના સંદેશા મોકલવામાં આવે છે ? બેંક પોતાની નિષ્ફળતાને છુપાવીને હવે ખાતેદારોને મુશ્કેલીમાં ન મુકે તેવી પણ માગણી ઉઠી છે.

એલસીપીસીને નીચે મુજબ વર્ગીકૃત કરાય છે

૧. કેવાયસીની પૂર્તતાની ચકાસણી. જાે અપૂર્ણ હોય તો ખાતેદારોના ફોટા અને સહીની ઇમેજ ફરીથી અપલોડ કરવી.

૨. એલસીપીસી દ્વારા પર્સનલાઇઝ્‌ડ ચેકબુક ઇસ્યુ કરવામાં આવે છે. આ ચેકબુક ઇસ્યુ કરવાની પ્રક્રિયાનું એલસીપીસી દ્વારા નિયમન કરવામાં આવે છે.

૩. પ્રિન્ટર સાથે ચેક બુક અંગે સંકલન.

વૃધ્ધ કે વિદેશમાં રહેતા ખાતેદારોએ શું કરવું?

વયોવૃધ્ધ ખાતેદારો કે જે બેંકમાં જઇ શકવા માટે સક્ષમ નથી અને જે ખાતેદારો વિદેશમાં રહેતા હોય તેમને શું કરવું તેની કોઇ જ સ્પષ્ટતા નથી.