દિલ્હી-

અમુક રાજકીય પક્ષો દ્વારા નવા કૃષિ કાયદાઓનો સતત વિરોધ થઇ રહ્યો છે ત્યારે ખેડૂતોની મૂંઝવણને દૂર કરવાના પ્રયાસરૂપે વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહે કૃષિ સાથે જાેડાયેલા લોકોને ખાતરી આપી હતી કે લઘુતમ ટેકાના ભાવ સ્થિર રહેશે નહીં, આગામી વર્ષોમાં તેમાં સતત વધારો થશે.

કોંગ્રેસના યુવા પાંખના દેખાવકારો દ્વારા નવા કૃષિ કાયદાના વિરોધમાં ટ્રેક્ટર બાળવાની ઘટના પર વિપક્ષની ઝાટકણી કાઢતા કહ્યુ હતું કે જવાન માટે શસ્ત્ર ભગવાન સમાન છે અને ટ્રેક્ટર ખેડૂત માટે. તેથી ટ્રેક્ટર બાળીને તેઓએ ખેડૂતોનું અપમાન કર્યું છે. કોંગ્રેસના યુવા પાંખના કાર્યકરોએ કૃષિ સુધારા કાયદાઓના વિરોધમાં રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન અને સંસદની થોડા અંતરે આવેલા ઈન્ડિયા ગેટ નજીક એક ટ્રેક્ટરને આગ ચાંપી હતી. 

પત્રકારો સાથેની વાતચીતમાં સંરક્ષણ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે હું ખેડૂતનો પુત્ર છું અને એક વાત સ્પષ્ટ કરવા માગું છું કે મોદી સરકાર ક્યારેય ખેડૂતોના હિતમાં ન હોય એવું કંઇ પણ નહીં કરશે. ‘હું તમામ ખેડૂતોને અપીલ કરું છું કે તેમને કોઇ પણ સમસ્યા અથવા મૂંઝવણ હોય તો અમારી પાસે આવો અને ચર્ચા કરો. ખેડૂતોની સંસ્થા સાથે મેં પહેલાથી ચર્ચા કરવાનું શરૂ કર્યું છે જેથી તેમની ગેરસમજ દૂર કરી શકાય’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. હું ખેડૂતોને ખાતરી આપું છું કે લઘુતમ ટેકાના ભાવ સ્થિર રહેશે નહીં, પરંતુ તેમાં આગામી વર્ષોમાં સતત વધારો થશે, એમ તેમણે કહ્યું હતું.