ધંધુકામાં ર૦ દિવસની બાળકીને માથે હાથ ફેરવી ઝડપથી ન્યાય અપાવનાર ગૃહ રાજ્યમંત્રી ભાઈ તરીકે બહેનને ન્યાય અપાવવાનું વચન ભૂલી ગયા હોય એમ લાગી રહ્યું છે. શહેરના વેક્સિન ગ્રાઉન્ડમાં ર૯ ઓકટોબરે દુષ્કર્મનો ભોગ બન્યા બાદ ૪ નવેમ્બરે દિવાળીના દિવસે કહેવાતી આત્મહત્યા કરી લેનાર ૧૮ વર્ષીય યુવતીને ૮૪ દિવસ બાદ પણ ન્યાય મળી શક્યો નથી કે આરોપીઓ ઓળખી શકાયા નથી. મહત્ત્વની વાત તો એ છે કે દુષ્કર્મની ઘટના છૂપાવવાનો ગંભીર ગુનો આચરનારાઓને છાવરવાનો શરમજનક પ્રયાસ ખુદ પોલીસ કરતી હોવાનું માનવામાં આવે છેે.

ગૃહ વિભાગની ત્રણ-ત્રણ એજન્સીઓ રેલવે પોલીસ, શહેર પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ વેક્સિન ગ્રાઉન્ડ રેપકાંડના આરોપીઓને ૮૪ દિવસ થયા છતાં શોધી શકી નથી. દુષ્કર્મનો ભોગ બન્યા બાદ મોતને ભેટેલી ૧૯ વર્ષીય યુવતીના પરિવારજનોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મળી ‘મૃતક બહેનને આ ભાઈ ન્યાય અપાવશે’ એવું વચન આપ્યું હતું. એ વચન ગૃહ રાજ્યમંત્રી ભૂલી ગયા હોય એમ લાગે છે. કારણ કે, આ મામલામાં ભીનું સંકેલાઈ દેવાયું હોવાની છાપ ઊભી થઈ છે.

એક તબક્કે તપાસનું નિરીક્ષણ કરી રહેલા રેલવે એસપીએ પણ રેપ થયો જ નહીં હોવાનું બેહુદું બયાન આપ્યું હતું. ત્યારે કાયદાના નિષ્ણાતોએ મૃતક યુવતીએ પોતાની ડાયરીમાં સ્વહસ્તાક્ષરથી લખેલી વિગતોમાં રેપ થયો હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હોવાથી એને ડાઈંગ ડેક્લેરેશન જ કહેવાય એમ ભારપૂર્વક જણાવ્યું હતું. બીજી તરફ ઘટના બાદ તરત જ પહોંચેલા બસ ડ્રાઈવર અને બે પશુપાલકોએ પણ દુષ્કર્મ થયું હોવાનું નિવેદનમાં જણાવ્યું છે. ત્યારે દુષ્કર્મનો ભોગ બન્યા બાદ મોતને ભેટેલી યુવતી અગાઉ જે સંસ્થામાં કામ કરતી હતી એના જવાબદાર સંચાલકોને આપવીતી જણાવી હોવા છતાં સંસ્થાના વગદાર સંચાલકો સામે પોલીસ ઘૂંટણિયે પડી ગઈ હોવાનું અને એની પાછળ એક ઉચ્ચ પોલીસ અધિકારી (આઈપીએસ)નું દબાણ હોવાનું પોલીસબેડામાં ચર્ચાય છે.

ત્યારે આટલી મોટી ઘટનામાં રાજ્યની ત્રણ-ત્રણ પોલીસ એજન્સીઓ આરોપીઓને પકડી તો શું ઓળખી પણ શકયા નથી. શરૂઆતમાં આ મામલો ખૂબ ચગ્યો ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ ખુદ પરિવારજનોને મળી સાંત્વના આપી હતી કે મૃતક બહેનને આ ભાઈ ઝડપથી ન્યાય અપાવશે. ત્યારે ધંધુકાના કિશન ભરવાડ હત્યાના મામલામાં પણ ગૃહ રાજ્યમંત્રીએ ઝડપથી ન્યાય અપાવવાનું વચન આપ્યું છે. એવા સંજાેગોમાં ૮૪ દિવસથી ન્યાય માટે ઝંખતી બહેનની યાદ સ્ત્રી સંગઠનોએ અપાવવાનું નક્કી કર્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પીડિતાના પરિવાર સાથે સુરત ખાતે પોતાના નિવાસે બેઠક કરી હતી અને એમાં એવું તો શું થયું કે આખા કેસમાં ભીનું સંકેલાઈ ગયું અને જાણે પીડિતાના પરિવારને મીડિયા સમક્ષ એક હરફસુધ્ધાં નહીં ઉચ્ચારવા ધમકી અપાઈ હોય એમ તેઓ પણ શંકાસ્પદ રીતે ચૂપ છે.