અમદાવાદ,  ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. વિધાનસભાના ચાલુ સત્રમાં માસ્ક વિના ફરતા અધિકારીઓ, કર્મચારીઓ અને ધારાસભ્યોને પણ ૫૦૦ રૂપિયાનો દંડ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. એનો અર્થ એવો થયો કે ગુજરાત સરકારના નિયમો અને ર્નિણયો વિધાનસભાને લાગુ નથી પડતા? કારણ કે સામાન્ય પ્રજાને માસ્ક ન પહેરવા બદલ રૂ.૧૦૦૦નો તોતિંગ દંડ ફટકારવામાં આવે છે, જ્યારે મંત્રીઓ અને ધારાસભ્યો જાે માસ્ક ન પહેરે તો માત્ર રૂ.૫૦૦નો જ દંડ નક્કી કરવામાં આવ્યો છે. દંડનાં આ બેવડાં ધોરણો જાેતાં વિધાનસભા ગુજરાત બહાર હોય તેમ લાગે છે.

કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે હાલમાં ચાલી રહેલું વિધાનસભાનું સત્ર ટૂંકાવી દેવામાં આવે એવી શક્યતાઓ છે. આ અંગેનો ર્નિણય કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં થશે. તાજેતરમાં જ રાજ્યમાં પૂર્ણ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના જીતેલા ઉમેદવારો અને પદભાર સંભાળનારા લોકો હાલના સમયમાં કોરોનાના તમામ નિયમો નેવે મૂકીને પદભાર સંભાળી રહ્યા છે. રાજ્યની મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગરપાલિકામાં નવા વરાયેલા પ્રમુખો અને ઉપપ્રમુખો સહિતના પદાધિકારીઓ હાલમાં સત્તા મળ્યાના ઉન્માદમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. તેમના સ્વાગતના કાર્યક્રમોમાં ભીડ ભેગી થઈ રહી હોવા છતાં તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, પરંતુ સામાન્ય જનતાને આકરો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.