દિલ્હી-

જહાજ મંત્રાલયે ભારત સરકારના અંતર્દેશીય જળમાર્ગને પૂરક, પર્યાવરણને અનુકુળ અને સસ્તા પરિવહનના માધ્યમ તરીકે પ્રોત્સાહિત કરવાના દ્રષ્ટિકોણ ને ધ્યાનમાં રાખીને ત્વરિત અસરથી જળમાર્ગ વપરાશ શુલ્ક માફ કરવાનો નિર્ણય કર્યો છે. શરૂમાં ત્રણ વર્ષ માટે આ શુલ્ક માફ કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, હાલમાં કુલ કાર્ગો ટ્રાફિકના માત્ર 2% નું જ જળમાર્ગથી પરિવહન થાય છે. જળમાર્ગના શુલ્કને માફ કરવાનો નિર્ણય ઉદ્યોગોને તેમની લોજિસ્ટિક જરૂરિયાતો માટે રાષ્ટ્રીય જળમાર્ગનો ઉપયોગ કરવા આકર્ષિત કરશે. પરિવહનનું આ માધ્યમ પર્યાવરણને અનુકુળ અને સસ્તું હોવાથી તે અન્ય પરિવહન માધ્યમો પરનો ભાર તો ઘટાડશે જ, સાથોસાથ ધંધામાં સરળતાને પણ પ્રોત્સાહન આપશે.

જહાજાે દ્વારા તમામ રાષ્ટ્રીય જળમાર્ગોના ઉપયોગ પર પાણીનો વપરાશ શુલ્ક લાગુ હતો. ટ્રાફિકના સંચાલનમાં અને ટ્રાફિક ડેટાના સંગ્રહમાં તે અવરોધ ઊભો કરતો હતો. હાલમાં ભારતીય અંતર્દેશીય જળમાર્ગ સત્તા અંતર્દેશીય કાર્ગો વહાણોને ચલાવવા માટે પ્રતિ કિલોમીટરે પ્રતિ કુલ રજીસ્ટર્ડ ટન દીઠ રૂ. 0.02ના દરે અને રાષ્ટ્રીય જળમાર્ગો પર ક્રુઝ જહાજાેને ચલાવવા માટે પ્રતિ કિલોમીટરે પ્રતિ કુલ રજીસ્ટર્ડ ટન દીઠ રૂ. 0.05 ના દરે જળમાર્ગ વપરાશ શુલ્ક વસૂલ કરે છે.

આ નિર્ણયથી અંતર્દેશીય જળમાર્ગ પર ટ્રાફિક 2019-20 ના 72 MMTU વધીને ૨૦૨૨-૨૩માં 110 થવાનો અંદાજ છે. તેનાથી આ ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓ અને વિકાસને ફાયદો થશે.