ભારતીય ક્રિકેટમાં જે આદર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને મળે છે તેવી જ હસ્તી વિમેન્સ ક્રિકેટમાં મિતાલી રાજ છે. લગભગ દોઢ દાયકાથી મિતાલી રાજે ભારતીય બેટિંગની જવાબદારી સંભાળી રાખી છે. હવે આ જવાબદારી હરમનપ્રિત કૌર અને સ્મૃતિ મંધાના પાસે આવી ગઈ છે. સચિનની માફક જ મિતાલી રાજના રેકોર્ડ ગણવા મુશ્કેલ છે.

મિતાલી રાજને પણ નાની વયે તેની કરિયર શરૂ કરી હતી અને તેણે માત્ર 18 વર્ષની વયે તેની પહેલી બેવડી સદી ફટકારી હતી. આજના દિવસે મિતાલી રાજને યાદ કરવાનું કારણ એ જ કે બરાબર 18 વર્ષ અગાઉ આજના દિવસે એટલે કે 2002ની 17મી ઓગસ્ટે મિતાલી રાજે તેની કરિયરની બેવડી સદી ફટકારી હતી. એ સમયે તેણે વિમેન્સ ટેસ્ટ ક્રિકેટનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો.

ભારત માટે બેવડી સદી ફટકારનારી પ્રથમ ક્રિકેટર બની હતી. ટોન્ટન ખાતે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લેન્ડના 326 રનના સ્કોર સામે ભારત બેટિંગ કરી રહ્યું હતું. એ સમયે 326 રનનો સ્કોર આસાન ન હતો પરંતુ ભારત માટે મિતાલી રાજે 598 મિનિટ અને 407 બોલ રમીને 19 ચોગ્ગા સાથે 214 રન ફટકારી દીધા હતા જેને કારણે ભારતે 467 રનનો પહાડ જેવો સ્કોર નોંધાવ્યો હતો. મિતાલી સાથે હેમલતા કાલા અને ઝુલન ગોસ્વામીએ 62-62 રન ફટકાર્યા હતા. મિતાલીના 214 રનનો સ્કોર વિમેન્સ ક્રિકેટમાં એ વખતે સર્વોચ્ચ સ્કોર હતો. ત્યાર બાદ પાકિસ્તાનની કિરણ બલોચે વેસ્ટ ઇન્ડિઝ સામે 242 રન ફટકારીને આ સ્કોરને પાછળ રાખી દીધો હતો. આમ છતાં મિતાલી રાજ આજે પણ ભારતીય વિમેન્સ ટેસ્ટ ક્રિકેટમાં એકમાત્ર એવી ખેલાડી છે જેણે બેવડી સદી ફટકારી હોય.