બાયડ : અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના દખણેશ્વર ગામમાં બુધવારના રોજ બાબુભાઈ પુંજાભાઈ રાવળના મકાનની દિવાલ અચાનક જ ધરાશાયી થતા તેમનું દિવાલના કાટમાળ નીચે દબાઇ જતા ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાની જાણ થતા આસપાસના રહીશો સહિત ગામલોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. દીવાલ નીચે દબાઇ ગયેલા પરિવારના મોભી બાબુભાઇ રાવળને દીવાલ નીચેથી સહી સલામત રીતે બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી હતી. જેમાં મહા મહેનતે બાબુભાઇને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ દીવાલ નીચે દબાઇ જતા ગંભીર ઇજાના કારણે તેઓ મોતને ભેટ્યા હતા. તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નાના સરખા ગામમાં બનેલી દુર્ઘટનાથી શોકની કાલીમા છવાઇ ગઇ હતી.આકસ્મિક દુર્ઘટનામાં ઘરના મોભીનું મોત થતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. મૃતકના પરિવારને રાજ્ય સરકારની સહાય જોગવાઇ મુજબ આર્થિક સહાય ચૂકવવા માટે ગામના સરપંચ દ્વારા તલાટીને જાણ કરી રિપોર્ટ તૈયાર કરી તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાની વિગતો સાંપડી છે. ઘટનાની જાણ થતા તાલુકાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.