દાહોદ-

બાળકો ક્યારેક જીદ કરતા હોય તો મા-બાપ તેમને ગેઈમ રમવા માટે મોબાઈલ આપી દેતા હોય છે. ઓનલાઈન ભણવા માટે તો ઠીક પણ વધારામાં ક્યારેક મા-બાપ છોકરાઓને અમસ્તા જ બીઝી રાખવા માટે ફોન આપી દેતા હોય છે. તમે પણ જો એમાનાં જ એક હોવ તો તમારે હવે ચેતી જવું પડશે. દાહોદમાં આ જ રીતે મોબાઈલ પર ગેઈમ રમી રહેલા એક બાળકના હાથમાંથી ગઠિયાઓ ભરબજારે મોબાઈલ આંચકી ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થતાં વાયરલ બની ગઈ હતી. 

સીસીટીવી કેમરામાં કેદ થયેલી વિગતો મુજબ, બાળક પોતાના ઘરના આંગણામાં મોબાઈલ પર ગેઈમ રમવામાં મશગૂલ હતો ત્યારે બે ગઠિયાઓ બાઈક પર આવ્યા હતા. તેઓ તેમની નજીક ગયા છતાં બાળક રમવામાં જ વ્યસ્ત હોઈ અને તે કે આસપાસના બીજા કોઈ કંઈ સમજે એ પહેલાં જ આ ગઠિયાઓ તેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. ચેઈન સ્નેચિંગના કિસ્સા ઓછા હોય એમ હવે દિવસે ને દિવસે મોબાઈલ સ્નેચિંગના કિસ્સાઓ વધતા જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ હોવાથી પોલીસે આ ઘટનાની તપાસ કરીને આરોપીઓને ઝડપવા કામગીરી હાથ ધરી છે.