પાટણ-

પાટણના કામલીવાડામાં દલિત યુવાનના લગ્ન પ્રસંગે વરઘોડો નીકળતાં એક સમયે હોબાળો થયો હતો. આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક લોકોએ વરઘોડાને અવરોધવા માટે પથ્થરમારો કર્યો હતો. જાે કે બનાવ મામલે પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી અને પૂરતા બંદોબસ્ત સાથે યુવકના વરઘોડા સહિત લગ્ન પ્રસંગની તમામ વિધિઓ પોલીસની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી. જાે કે મોડી સાંજે બંને પક્ષોના આગેવાનોએ મળી સમાધાન કરી લીધું હતું. બાલીસણા પોલીસના જણાવ્યા મુજબ કમલીવાડા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અને પ્રસંગની અંતિમ વિધી સુધી પોલીસે સાથે રહીને તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરાવી હતી. યુવકના વરઘોડાને અવરોધવા તકરાર થઈ હતી.

મોડાસા તાલુકાના નાંદીસણ ગામે અનુ. જાતિની યુવતીનો વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં યુવતીના ભાઈએ સાફો પહેર્યો હોય ગામના વ્યક્તિઓએ આવી સાફો ઉતારી લેવાનું કહી વરઘોડો અટકાવી દીધો હતો. જેના પગલે પોલીસ દોડી આવી હતી. બાદમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ છે. મોડાસાના નાંદીસણ ગામે યુવતીના લગ્ન હોય સાંજે ગામમાં ડીજે સાંજે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. અને યુવતીના સંબંધીઓ સહિતના પરિવારજનો ગામના ચોકમાં રાસ ગરબા રમતા હતા. તે સમયે ગામના ધર્મરાજસિંગ જયેન્દ્રસિંહ ચૌહાણે આવી પહોંચી યુવતીના ભાઈને કહ્યું કે, તારા માથેથી પાઘડી ઉતારી દે. તમોને શોભતી નથી તેમ કહી જાતિ પ્રત્યે અપશબ્દો બોલ્યા હતા. બાદમાં ધર્મરાજસિંહના પિતા જયેન્દ્રસિંહ ચૌહાણ કાર લઈને આવી ગયા હતા અને ડીજે બેન્ડ આગળ કાર ઉભી રાખી સાફો ઉતારી હાથમાં આપો તો જ વરઘોડો આગળ જવા દઈશ તેમ કહ્યું હતું. જે બાદ પોલીસને જાણ કરતાં ધર્મેન્દ્રસિંહ અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી હતી.