અમદાવાદ,

રજ્યમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે બફારા અને તાપનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયુ વાતાવરણ થઇને અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે એટલે મંગળવારે બપોર સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, બનાસકાંઠા, દાહોદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે દમણ,દાદરા નગર હવેલી,અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર, કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગોંડલમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. સોનગઢમાં 2 ઈંચ, આહવામાં 2 ઈંચ, કુકરમુંડામાં દોઢ ઈંચ, માણાવદરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વાપીમાં 1 ઈંચ, રાણપુરમાં 1 ઈંચ, સુબિરમાં 1 ઈંચ, માંગરોળમાં 1 ઈંચ, કેસોદમાં પોણો ઈંચ, ચોર્યાસીમાં પોણો ઈંચ, વંથલીમાં પોણો ઈંચ, નાંદોદમાં પોણો ઈંચ, જામકંડોરણામાં અડધો ઈંચ, તલાલામાં અડધો ઈંચ, નવસારીમાં અડધો ઈંચ, લોધિકામાં અડધો ઈંચ, ઉમરગામમાં અડધો ઈંચ, જેતપુરમાં અડધો ઈંચ, ધારીમાં અડધો ઈંચ અને નસવાડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.