વડોદરા : કોરોના પોઝિટિવ કેસો અને મૃતકોની સાચી સંખ્યા છુપાવીને પોતાની કાર્યક્ષમતાની વાહ-વાહ બોલાવી લેવા જેવી હલકટ મનોવૃત્તિ સંતોષતા સરકારી તંત્ર અને તેના હાકેમ સામે લોકોમાં ત્યારે રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને કોરોનાના મૃતકોના સગાંસંબંધીઓ તેમની સાથે થતા અમાનવીય વ્યવહાર અને મરણની પણ અમાન્યા નહીં જાળવવાની પિશાચી પ્રવૃત્તિઓથી ખફા છે. શહેરના સ્મશાનોમાં ગેસ-ઇલેક્ટ્રિક અને લાકડાંની ચિતાઓમાં રોજ અનેક મૃતદેહોને અગ્નિદાહ અપાઇ રહ્યા છે પરંતુ કાં તો તેઓ કોરોના સિવાયની બીમારીથી મૃત પામ્યાનું કહેવાય છે અથવા એ મૃતકો અંગેની તમામ માહિતી છુપાવાઇ રહી છે.

કોરોનાના મૃતકોના ગણતરીના સગાંસંબંધીઓને જ પીપીઇ કીટ પહેરીને સ્મશાનમાં જવા દેવાય છે. આ સંજાેગોમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં લવાતા આવા મૃતદેહોને ઉતારીને સ્ટાફ તો ચાલ્યો જાય છે પરંતુ મૃતકના બે સગાઓ મૃતદેહને ચિતા પર કેવી રીતે ચઢાવે? એવો પ્રશ્ન પણ કોઇને થતો નથી. આવા સગાઓએ એ જ વખતે અગ્નિદાહ આપવા આવેલા અન્ય મૃતકોના સગાઓને મદદ માટે બોલાવવા પડે છે. સ્મશાનમાં કામ કરતો મજૂરવર્ગ માનવતાના ધોરણે મદદ કરે છે. પરંતુ તેઓ માત્ર માસ્ક પહેરીને આ જાેખમ લે છે. કારણ કે આ શ્રમજીવીને પીપીઇ કીટ કોણ આપે? અને એનો ખર્ચ એમને કઇ રીતે પોસાય? ચોંકાવનારી બાબત તો એ છે કે સ્મશાનમાં ઠેર-ઠેર મૃતકોનાં કપડાં અને સગાંસંબંધીઓની પીપીઇ કીટ બિનવારસી રઝળે છે અને એના ઢગલા ખડકાયા છે. કોરોનાના સંક્રમણ માટે જાેખમી સાબિત થાય એવા આ આ સરસામાનનો યોગ્ય નિકાલ કરવાની તસ્દી સુધ્ધાં તંત્ર કે તેના હાકેમ દ્વારા લેવાઇ નથી. એ.સી. કેબિનોમાં બેસી ‘સબ સલામત’ના બણગાં ફૂંકતા સરકારીતંત્ર અને તેના હાકેમ સામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.