દિલ્હી-

દેશભરમાં વિરોધ વચ્ચે ઓઇલ કંપનીઓએ આજે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલમાં ૨૭ પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં ૨૩ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ ફેરફાર બાદ દિલ્હીમાં પેટ્રોલ ૯૬.૧૨ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૬.૯૮ રૂપિયા પ્રતિ લીટરે વેચાઇ રહ્યું છે.

 માત્ર જૂન મહિનાના ૧૨ દિવસની વાત કરીએ તો આ સમયગાળામાં જ પેટ્રોલ લગભગ ૨ રૂપિયા મોંઘું થઈ ગયું. આ વધારા બાદ દેશના અનેક શહેરોમાં પેટ્રોલ ૧૦૫ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે.
આજે દિલ્હીમાં પેટ્રોલ ૯૬.૧૨ રૂપિયા, કલકતામાં ૯૬.૦૬ રૂપિયા, મુંબઇમાં ૧૦૨.૩૦ રૂપિયા, ચેન્નઇમાં ૯૭.૪૩ રૂપિયા અને નોઇડામાં પેટ્રોલ ૯૩.૪૬ રૂપિયા પ્રતિ લીટરે વેચાઇ રહ્યું જ્યારે ડીઝલ દિલ્હીમાં ૮૬.૯૮ રૂપિયા, કલકત્તામાં ૮૯.૮૩ રૂપિયા, મુંબઇમાં ૯૪.૩૯ રૂપિયા, ચેન્નઇમાં ૯૧.૬૪ રૂપિયા અને નોઇડામાં ૮૭.૪૬ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે.  રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને લદ્દાખમાં પહેલાંથી જ પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયો છે. રાજસ્થાનમાં હવે ડીઝલનો ભાવ પણ ૧૦૦ને પાર પહોંચી ગયો છે. રાજસ્થાન એવું પ્રથમ રાજ્ય છે જ્યાં પેટ્રોલ અને ડીઝલ બંને ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં પેટ્રોલ ૧૦૭ રૂપિયા જ્યારે ડીઝલ ૧૦૦.૦૫ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે.