દિલ્હી-

ઈંડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ વાઈસ પ્રેસિડંટ ડો. નવજાેત દહિયાએનો આરોપ

ઈંડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ વાઈસ પ્રેસિડંટ ડો. નવજાેત દહિયાએ પ્રધાનમંત્રી મોદીને ચૂંટણીવાળા રાજ્યોમાં રાજકીય રેલીઓના આયોજન અને કુંભને મંજૂરી આપવા માટે કોરોના વાયરસના સુપર સ્પ્રેડર ગણાવ્યા છે. દહિયાએ એક ઈન્ટરવ્યૂમાં આપેલા નિવેદનમાં કહ્યુ હતું કે, જ્યારે મેડિકલના ક્ષેત્ર સાથે જાેડાયેલા લોકોને કોરોના માપદંડો અનિવાર્ય કરવા માટે ભારે મહેનત કરવી પડી છે, આવા સમયે મોદીને રાજકીય રેલીઓમાં સંબોધન કરવામાં જરાં પણ સંકોચ આવ્યો નહીં.

દહિયાએ આગળ જણાવ્યુ હતું કે, જાન્યુઆરી ૨૦૨૦માં ભારતમાં કોરોનાનો પગપેસારો થયો, તો આ સમયે પ્રધાનમંત્રીએ કોરોનાને રોકવાને બદલે ગુજરાતમાં એક લાખથી વધારે લોકોને એકઠા કરી સભાઓનું આયોજન કર્યુ. તથા તે સમયના અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરવામાં વ્યસ્ત રહ્યા. હવે જ્યારે કોરોના તેના પિક પર છે, ત્યારે સ્વાસ્થ્ય સિસ્ટમ એકદમ નકારી સાબિત થઈ રહી છે. કારણ કે, પીએમ મોદીએ આખુ વર્ષ આ માટે કોઈ મજબૂત પગલા લીધા જ નહીં.ભારતમાં મહામારી સામે લડવામાં આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ પીએમ મોદીની નિષ્ફળતાને ફૂલ કવરેજ આપ્યુ છે. આઈએએમના ઉપાધ્યક્ષે કહ્યુ હતું કે, મેડિકલ ઓક્સિજનની કમીના કારણે કોરોના દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. હાલમાં પણ મોદી સરકાર પાસે ઓક્સિજન પ્લાન્ટ લગાવવાના કેટલાય પ્રોજેક્ટ અટકેલા પડ્યા છે. જાે કે, મોદી સરકારે આવી કોઈ જરૂરિયાત નહીં હોવાનું જણાવ્યુ હતું. તેમણે આગળ જણાવ્યુ હતું કે, દેશના લગભગ દરેક શહેરમાં શ્મશાન અને હોસ્પિટલો બહાર લાંબી લાંબી લાઈનો લાગેલી છે. સાથે જ મહામારી તેનો પ્રકોપ વર્તાવી રહી છે. ખેડૂત આંદોલન મુદ્દે પણ કોઈ હલ ન કાઢીને મોટી સંખ્યામાં ખેડૂતોને એકઠા થવા દીધા, જેના કારણે કોરોનાનો ગંભીર હાલત ઉભી થઈ.