દિલ્હી-

પોતાનો વિરોધ કરતા લોકોને પણ સાંભળવા જાેઈએ, સંસદની ગતિવિધિઓમાં હંમેશા ભાગીદાર બનવું જાેઈએ એવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપવાની સાથે બીજી અનેક રસપ્રદ વાતો પ્રણવ મુખરજીએ પોતાની બુકમાં લખી હતી, જેમાંની એક છે કે, ક્યારેક નેપાળ ભારતમાં ભળી જવા માંગતું હતું.

પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખરજીનું પુસ્તક ‘ધ પ્રેસિડેન્શ્યલ યર્સ’ મંગળવારે બજારોમાં આવી ગયું હતું, અને તેમાં કેટલીક ચોંકાવનારી તો કેટલીક રસપ્રદ બાબતો બહાર આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપતાં લખ્યું હતું કે, લોકોની અસંમતિ પણ સાંભળવી જાેઈએ. વિપક્ષને ગળે પોતાની વાત ઉતારવા અને દેશના લોકોની સમક્ષ પોતાની વાત મૂકવા માટે સંસદની ગતિવિધિમાં કાયમ સામેલ થવું જાેઈએ. તેમણે એવો મત વ્યક્ત કર્યો હતો કે, વડાપ્રધાન મોદી વધારે સમય સંસદમાં સામેલ થશે તો પણ સંસદની ગતિવિધિમાં ઘણો બદલાવ આવી જશે.

પ્રણવ મુખરજીએ મોદીના બીજા કાર્યકાળ સુધીના પોતાના અનુભવોનો સાર આ પુસ્તકમાં ઉતારતાં લખ્યું છે કે, જવાહરલાલ, ઈંન્દિરા ગાંધી, અટલબિહારી વાજપેયી અને મનમોહનસિંહ એ તમામે પોતાની ઉપસ્થિતી સંસદમાં મહેસૂસ કરાવી છે. મોદીએ તેમની પાસે પ્રેરણા લઈને સંસદમાં વધારે સમય હાજર રહેવું જાેઈએ. તેમણે એક જગ્યાએ મોદીની ટીકા કરતાં લખ્યું છે કે, મોદી પોતાની અકુશળતા અને અહંકારને પગલે પહેલા કાર્યકાળ દરમિયાન સંસદની ગતિવિધિ ઠીક રીતે ચલાવી ન શક્યા પણ હવે એમાં ફેરફાર કરવો જાેઈએ. તેમણે નોંધ્યું કે, તેઓ પોતે યુપીએમાં હતા ત્યારે વિપક્ષના સંપર્કમાં રહેતા અને પૂરો સમય સંસદમાં પણ મૌજૂદ રહેતા.

નોટબંધીની વાતે મને અંધારામાં રખાયો


પ્રણવ મુખરજીએ લખ્યું છે કે, મોદીએ ૨૦૧૬ની ૮મી નવેમ્બરે જ્યારે નોટબંધી જાહેર કરી ત્યારે એ બાબતે (દેશનો રાષ્ટ્રપતિ હોવા છતાં-) મને જાણ નહોતી કરાઈ. જાે કે, તેનાથી મને કોઈ પરેશાની નહોતી કેમ કે, આવી જાહેરાત એકાએક કરવાની હોય છે.

નેપાળ ભારતમાં ભળી જવા માંગતું હતું


પૂર્વ રાષ્ટ્રપતિએ એક ચોંકાવનારો દાવો કરતાં લખ્યું છે કે, નેપાળ ભારતનું રાજ્ય બનવા માંગતું હતું, પરંતુ તત્કાલિન નેપાળના રાજા ત્રિભુવન વીર વિક્રમ શાહના એ મતલબના પ્રસ્તાવને વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ફગાવી દીધો હતો. નેહરુ એવો મત ધરાવતા હતા કે,નેપાળ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે અને તેણે એમ જ રહેવું જાેઈએ.

પ્રણવે આગળ લખ્યું છે કે, નેહરુની જગ્યાએ જાે ઈંન્દિરા હોત તો તેમણે એ તકનો લાભ જરુર લીધો હોત, જે તેમણે સિક્કિમની સાથે કર્યું હતું. પ્રણવે પોતાના પુસ્તકમાં વર્તમાન વડાપ્રધાન મોદી બાબતે પણ ઘણી વાતો લખી છે.

કરિશ્માઈ નેતૃત્વનો સમય વીતી ગયાથી કોંગ્રેસ ગાફેલ


મને લાગ્યું કે, હું રાષ્ટ્રપતિ બન્યો પછી કોંગ્રેસે રાજકીય ફોકસ ગુમાવી દીધું હતું. પક્ષ એ ભૂલી ગયો કે, તેના કરિશ્માઈ નેતૃત્વનો દોર હવે ખતમ થઈ ચૂક્યો હતો. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો રકાસ થયો તેની પાછળ પણ આ જ બાબત કારણભૂત રહી હશે. એ પરીણામોથી મને એ રાહત મળી કે, દેશને એક નિર્ણાયક જનાદેશ મળ્યો. પરંતુ મારા રાજકીય પક્ષ કોંગ્રેસના ધબડકાથી મને ભારે નિરાશા થઈ હતી.