દિલ્હી-

એકાદ વર્ષ પહેલાં રીઝર્વ બેંકે જ્યારે પંજાબ-મહારાષ્ટ્ર બેંક પર પ્રતિબંધ મૂકી દીધો ત્યારે દેશના અનેક રાજ્યોમાં થાપણદારો અને બેંકના ખાતેદારો માથે હાથ મૂકીને રોયા હતા. હાલત એવી હતી કે, જે લોકોએ દાયકાઓ સુધી પાઈ-પાઈ ભેગી કરીને મૂડી એકઠી કરી હતી તેને ઉપાડવાનો કોઈ રસ્તો નહોતો અને પૂરા પૈસા ક્યારે મળી રહે તેની કોઈ ચોખવટ નહોતી. એટીએમમાં ઊભા ઊભા આંસુ સારવાનો સમય લોકો માટે આવી ગયો હતો. આરબીઆઈના પ્રતિબંધને પગલે લોકો દિવસના માત્ર ૧૦૦૦ રુપિયા ઉપાડી શકતા હતા.

તાજેતરમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોન-પરફોર્મિંગ એસેટ્‌સ યાને એનપીએ અથવા ડૂબી ગયેલી થાપણો અંગે આંકડા રજૂ કર્યા હતા અને એ આંકડા ચોંકાવનારા હતા. આ આંકડા મુજબ, વર્ષ ૨૦૧૦-૨૦૧૧માં એનપીએનો આંકડો એક લાખ કરોડ રુપિયા પણ નહોતો તે હવે ૨૦૧૧-૨૦૨૦ સુધીના દસ વર્ષોમાં ૮ લાખ કરોડ રુપિયા વધીને ૯ લાખ કરોડ થઈ ગયો છે.

રસપ્રદ વાત એ છે કે, આ દશકના પહેલા ચાર વર્ષ મનમોહન વડાપ્રધાન હતા જ્યારે બાકીના ૬ વર્ષ મોદી વડાપ્રધાન રહ્યા. પરંતુ પહેલા ચાર વર્ષ દરમિયાન એટલે કે મનમોહનસિંઘની સરકાર દરમિયાન એનપીએનો વધવાનો દર ૧૭૫ ટકા રહ્યો જ્યારે મોદીના શાસનકાળમાં તે વધીને ૧૭૮ ટકા થઈ ગયો. આ ટકાવારી વધારે નથી દેખાતી પણ આંકડો જાેશો તો ખબર પડશે કે, મનમોહન સરકારે જે એનપીએનો આંકડો ૨.૬૪લાખ કરોડ પર છોડ્યો હતો તે મોદી સરકારમાં ૯ લાખ કરોડની ઉપર પહોંચી ગયો છે. જાે તમે એમ માનતા હોવ કે, આ બાબત સાથે તમારે શી લેવા-દેવા, તો આ લેખ આગળ વાંચવાથી તમને એ સમજાઈ જશે.

એનપીએ શું છે

જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા બેંક પાસેથી લોન લે છે અને એ તેને પાછી ચૂકવતી નથી ત્યારે એ લોનખાતાને બંધ કરી દેવાય છે અને નિયમોને આધીન તેના નાણાંની ઉઘરાણી કરાય છે. મોટાભાગના કેસોમાં આવા કેસોમાં નાણાં પાછા મળતા નથી અથવા મળે છે તો, નજીવા. તેને પગલે બેંકના પૈસા ડૂબી જાય છે અને બેંકને ખોટ જાય છે. અનેકવાર બેંક બંધ થવા સુધી ચાલી જાય છે અને લોકોના પૈસા ફસાઈ જાય છે. થાપણધારકોને તેમના પૈસા પાછા નથી મળતા અથવા જ્યારે જાેઈએ ત્યારે નથી મળતા. પીએમસીમાં એવું જ થયું હતું, તેણે એચડીઆઈએલ નામની કંપનીને ચાર હજાર કરોડ રુપિયાની લોન આપી હતી જે નાણાં ત્યાર પછી કંપનીએ ભર્યા નહોતા જેને પગલે બેંક ખોટમાં ચાલી ગઈ હતી. આ બેંકે કંપનીને લોન આપવા માટે રીઝર્વ બેંકની ગાઈડલાઈનને નજરઅંદાજ કરી હતી.

નીરવ અને માલ્યા જેવા લોકોથી બેંકોને મરણતોલ ફટકો

વર્ષ ૨૦૨૦માં બેંકોની જેટલી થાપણ ડૂબી ગઈ તેમાંથી ૮૮ ટકા સરકારી બેંકો હતી. ઓછેવત્તે અંશે છેલ્લા દસ વર્ષથી આમ જ થતું આવ્યું છે. સરકારી બેંકનો અર્થ થાય છે, સામાન્ય માણસની બેંક. તેને પબ્લિક બેંક પણ કહેવાય છે. જ્યારે સરકારી બેંકોમાં નાણાં ડૂબી જાય છે, ત્યારે રીઝર્વ બેંક તેમની મદદે આવે છે, જેથી લોકોના પૈસા પાછા આપી શકાય.

હવે આ રીઝર્વ બેંક સરકારી બેંકોને જે મદદ કરે છે, એ નાણાં ક્યાંથી આવે છે ? તમારા ખિસ્સામાંથી. ટૂંકસાર એટલો કે, સામાન્ય માણસના પૈસા લઈને નિરવ કે માલ્યા જેવા માણસો વિદેશ ભાગી ગયા અને સામાન્ય માણસને જ્યારે જરુર હોય ત્યારે જ બેંક પૈસા આપવાની ના પાડી દે છે.

મોદી સત્તામાં આવ્યા ત્યારે ૨૦૧૫-૧૬માં એનપીએની રીકવરી ૮૦,૩૦૦ કરોડ રુપિયા હતી જે, તે વર્ષની એનપીએનો ચોથો ભાગ પણ નહોતો. તેના પછીના વર્ષે રીકવરી થોડી વધારી દેવાઈ હતી, પરંતુ વર્ષ ૨૦૧૯-૨૦માં ફરીથી રીકવરી ઘટી ગઈ હતી. એનપીએની રકમ અને તેની સામે તેની ઉઘરાણીની સરખામણી કરાય તો ઉઘરાણી નજીવી હતી.

મોદી સરકાર દેવાળીયાઓ પર મહેરબાન

તમને જાણીને નવાઈ લાગશે કે, મનમોહન સરકારે જે ચાર વર્ષોમાં નહોતું કર્યું, એ મોદી સરકારે આવતાની સાથે એક જ વર્ષમાં કરી નાંખ્યું હતું. એટલે કે, મનમોહન સિંઘની સરકારમાં ૨૦૧૦-૧૧ થી માંડીને ૨૦૧૩-૧૪ દરમિયાન મનમોહનસિંઘ સરકારે ૪૪,૫૦૦ કરોડ રુપિયાની લોન રાઈટ ઓફ કરી હતી જ્યારે મોદી સરકારે આવતાંની સાથે જ એક જ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૪-૧૫માં ૬૦,૦૦૦ કરોડ રુપિયાની લોન માંડવાળ કરી નાંખી હતી. ત્યારબાદ તો મોદી સરકારે માનો કે, દેવાળિયાઓ પર મહેરબાન થવામાં કોઈ કસર જ ન છોડી અને વર્ષ ૨૦૧૭-૧૮ થી માંડીને ૨૦૧૯-૨૦ વચ્ચેના ત્રણ જ વર્ષોમાં મોદી સરકારે દેવાળિયાઓનું ૬,૩૫,૦૦૦ કરોડનું દેવું માંડી વાળ્યું.

માંડી વાળવું એટલે કે, રાઈટ-ઓફ કરવું એ શબ્દ પણ સમજવા જેવો છે. બેંક જ્યારે પોતાના વાર્ષિક કામનું સરવૈયું બનાવે છે, ત્યારે જે લોન ભરપાઈ નથી કરાઈ તે પણ હિસાબમાં આવતાં એ સરવૈયું કે બેલેન્સશીટ બગડે છે. પરિણામે એક સમયે બેંક માની લે છે કે, આ પ્રકારની લોનની હવે રીકવરી થઈ શકે એમ નથી. એટલે કે બેંક તેને બેલેન્સશીટમાંથી જ હટાવી દે છે. એનપીએ થયા બાદ તો થોડી શક્યતાઓ પણ રહે છે, જ્યારે માંડવાળ કરી દીધા પછી તો બેંક તે રીકવરી માટેના પ્રયાસો પણ છોડી દે છે!

મનમોહનસિંહ-મોદી સરકાર એનપીએ સરખામણી

મનમોહનસિંહ                                     નરેન્દ્ર મોદી

૨૦૧૧-૦.૯૭ (લાખ કરોડ)                     ૨૦૧૫- ૩.૨૩

૨૦૧૨- ૧.૪૨                                       ૨૦૧૬- ૬.૧૧

૨૦૧૩ – ૧.૯૪                                     ૨૦૧૭ – ૭.૯૧

૨૦૧૪ – ૨.૬૪                                     ૨૦૧૮ – ૧૦.૩૮

                                                        ૨૦૧૯ – ૯.૩૫

                                                        ૨૦૨૦ – ૮.૯૮