દિલ્હી-

ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ-પશ્ચિમ નૈઋત્યનું ચોમાસું કેરળ-તામિલનાડુના બિલકુલ નજીક પહોંચી ચૂકયું છે. ચોમાસું કોમોરિન દરિયાકિનારાથી ૧૦૦ કિલોમીટર દૂર છે. હવે તે ગમે ત્યારે દસ્તક દઇ શકે છે. છેલ્લાં કેટલાંક દિવસથી દક્ષિણ-પશ્ચિમ પવન ફૂંકાઇ રહ્યા છે. વરસાદ, પવન અને રેડિએશનના કેટલાંય માપદંડને પૂરા કરવા પર ચોમાસું કેરળ પહોંચાવાની પુષ્ટિ કરાય છે. આગામી ૪૮ કલાકમાં કેરળ પહોંચી જશે.

હવામાન વિભાગના મતે કેરળ, લક્ષદ્વીપ અને કર્ણાટકના ૧૪ હવામાન કેન્દ્રોમાંથી ૬૦ ટકા કેન્દ્રો પર ૧૦મી મે બાદ જાે સતત બે દિવસ સુધી ૨.૫ મિમી કે તેનાથી વધુ વરસાદ નોંધાય છે તો તેને ચોમાસું પહોંચ્યાનો મુખ્ય આધાર મનાય છે. આ આધાર કેરળ અને કર્ણાટકના દરિયાકિનારાના વિસ્તાર અને લક્ષદ્વીપમાં પડી રહેલ વરસાદથી પૂરો થઇ ચૂકયો છે. પરંતુ પવન અને રેડિએશનના માપદંડો પર સતત નર રાખવામાં આવી રહી છે. ભારતના અંદમાન-નિકોબાર આઇલેન્ડમાં ચોમાસાંએ ૨૧મી મેના રોજ દસ્તક દઇ દીધી હતી અને ત્યારબાદ સામાન્ય ગતિથી સતત પશ્ચિમોત્તર દિશામાં વધી રહ્યા છે. કેરળમાં ચોમાસું દસ્તક દેવાની સામાન્ય તારીખ એક જૂન છે, પરંતુ હવામાન વિભાગે ૩૧મી મેના રોજ તેની ધારણા વ્યકત કરી હતી. તો ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ૩૦મી મેના રોજ મોનસુન દસ્તક દેશે તેવી ભવિષ્યવાણી કરી હતી.

આ વખતે ચોમાસું સામાન્યથી સારું રહેવાનો અંદાજાે છે. સ્કાઇમેટના મતે ભારતમાં આ વર્ષે જૂન થી સપ્ટેમ્બર દરમ્યાન સરેરાશ ૯૦૭ મિલીમીટર વરસાદ પડી શકે છે. આખા ભારતમાં ચાર મહિના દરમ્યાન સરેરાશ ૮૮૦.૬ મિલીમીટર વરસાદ પડે છે, જેને લોન્ગ પીરિયડ એવરેજ કહેવાય છે. સ્કાયમેટ તેને જ સરેરાશ માનીને ચાલે છે. એટલે કે વરસાદનો આ આંકડો ૧૦૦ ટકા મનાય છે. આ વર્ષે ૯૦૭ મિલિમીટર વરસાદ થવાની સંભાવના છે. ૨૦૨૧માં ચોમાસું દરમ્યાન ૧૦૩ ટકા વરસાદ પડવાની સંભાવના છે. ૯૬ ટકાથી લઇ ૧૦૪ ટકા વરસાદને સામાન્યથી શ્રેષ્ઠ વરસાદ કહેવાય છે. ૨૦૧૯માં આ આંકડો ૧૧૦ ટકા અને ૨૦૨૦માં ૧૦૯ ટકા રહ્યો હતો. એટલે કે આ વખતે સતત ત્રણ વર્ષ સારા ચોમાસાનો ફાયદો મળશે.