સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં સેલેબ્સના ડ્રગ્સ એંગલ બહાર આવ્યા હતા. આ પછી, તાજેતરમાં જ બેંગલુરુનો હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ કેસ ચર્ચામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તાજેતરમાં આ કેસમાં કન્નડ અભિનેત્રી રાગિની દ્વિવેદીની ધરપકડ કરવામાં આવી હતી. હવે ડ્રગ્સના કેસમાં બીજી કન્નડ અભિનેત્રી સંજના ગલરાનીની ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ દ્વારા મંગળવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

સંજના ગલરાની કન્નડ સિનેમાની એક પ્રખ્યાત અભિનેત્રી છે. તે તમિળ અને તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળી છે. સંજનાનો જન્મ 10 ઓક્ટોબર 1989માં બેંગ્લોરમાં થયો હતો. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. આ પછી સંજના ગલરાની ઘણા ટીવી કમર્શિયલ્સમાં જોવા મળી હતી. ફિલ્મોમાં આવતાં પહેલાં તેણે 50થી વધુ કમર્શિયલમાં કામ કર્યું હતુ. સંજના ગલરાનીએ તમિળ ફિલ્મ ઓરૂ કદલ સેવીરથી ફિલ્મોમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

આ ફિલ્મ વર્ષ 2006માં રિલીઝ થઈ હતી. તેણે કન્નડ ફિલ્મ 'ગંદા હેન્તાથી' માં પણ કામ કર્યું છે. સંજના ગલરાનીને તેની અભિનયના કારણે ઘણી વાર એવોર્ડ મળ્યા છે. મોટા પડદા સિવાય તે નાના પડદાનો પણ એક ભાગ રહી ચુકી છે. તે વર્ષ 2013 માં કન્નડ રિયાલિટી શો 'બિગ બોસ'માં પણ જોવા મળી હતી. આ વર્ષે સંજના ગલરાની જ્યારે તે હિન્દી રિયાલિટી શો 'મુઝે શાદી કરોગે'માં લોકોને એન્ટરટેઇન કરતી જોવા મળી હતી ત્યારે તે ચર્ચામાં આવી હતી.

આ શોમાં તે પારસ છાબરાની દુલ્હન બનવા પહોંચી હતી. જોકે, સંજના શૉની વિજેતા બની શકી ન હતી અને ના તો તે પારસની દુલ્હન બની શકી હતી. તમને જણાવી દઈએ કે સંજના ગલરાનીને ઈન્દિરા નગર સ્થિત તેના નિવાસ સ્થાને સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચના દરોડા બાદ મંગળવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી.

પૂછપરછ માટે તેને ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં લઈ જવામાં આવી હતી. જ્યારે તેના મિત્ર રાહુલ પર ડ્રગના મામલામાં કેસ કરવામાં આવ્યો છે ત્યારથી જ ગલરાની પર દેખરેખ રાખવામાં આવી રહી છે. આટલું જ નહીં પોલીસે ધરપકડ કરાયેલા વિરેન ખન્નાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. અત્યાર સુધીમાં 13 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને 6 ની ધરપકડ કરવામાં આવી છે.