દિલ્હી-

કોરોના મહામારીના કારણે આજે સમગ્ર દુનિયા ઝઝુમી રહી છે. તેના કારણે લાખો લોકોના મોત પણ થઈ ચુક્યાં છે. તો લોકડાઉનના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. આ કોરોના કાળમાં લાખો લોકોએ લોકડાઉનમાં પોતાની નોકરીઓથી હાથ ધોવાનોવારો આવ્યો છે તો કરોડો લોકો બેરોજગાર થઈ ચુક્યાં છે. એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં લોકડાઉનના કારણે 25 માર્ચ બાદથી અત્યારસુધીમાં આશરે 1,07,80,000 લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. એક તૈયાર થયેલા ડેટા પ્રમાણે લોકોએ નોકરીઓ ગુમાવી છે તેમાં ટ્રાવેલ, ટુરીઝમ, હોસ્પિટાલીટી, એવિએશન, ઓટોમોબાઈલ એન્ડ ટ્રાન્સપોર્ટ, રીટેઈલ, આઈટી અને સ્ટાર્ટઅપ સેક્ટરનો સમાવેશ થાય છે. 2007-2009માં ફાઈનાન્શીયલ ક્રાઈસીસ દરમયાન સમગ્ર ભારતમાં વેતનભોગી કર્મચારીઓને આશરે 50 લાખ નોકરીઓનું નુકશાન થયું હતું. એક ડેટા પ્રમાણે 25 માર્ચના રોજ લાગુ કરવામાં આવેલા લોકડાઉન બાદ તમામ સેક્ટરોમાં 10.8 મિલિયન લોકોની નોકરીઓ ચાલી ગઈ છે. ટ્રાવેલ અને ટુરીઝમ સેક્ટરમાં કોરોના મહામારીની ખરાબ અસર થઈ છે. ઈન્ડસ્ટ્રીના સુત્રોના જણાવ્યાં પ્રમાણે આ વ્યવસાયમાં અત્યારસુધીમાં 55,00,000 નોકરીઓ ખોવી પડી છે. જેમાં સૌથી વધુ નુકશાન ટ્રાવેલ એજન્ટ અને ટુર ગાઈડને થઈ રહ્યું છે. એક અનુમાન પ્રમાણે ટ્રાવેલ અને ટુરીઝમ ઈન્ડસ્ટ્રીમાં આશે 52 કરોડ લોકો કામ કરી રહ્યાં છે.

જ્યારે માર્ચમાં લોકડાઉન બાદ દેશમાં હોટલ અને રેસ્ટોરા બંધ કરવાના આદેશ દેવામાં આવ્યાં હતા. આ સમયે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, તેનાથી આશરે 70,000થી 1,00,000 નોકરીઓ ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. હોસ્પિટાલીટી સેક્ટરમાં 38,00,000 લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. તે સીવાય 25 માર્ચથી બંધ થવાના કારણે ઉડાન સંચાલનની સીધી અસર એરલાઈન્સ કંપનીઓની આવક ઉપર પણ પડી છે. તો ઓટોમોબાઈલ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પણ પ્રોડક્શનનું કામ રોકાઈ જવાના કારણે તમામ કંપનીઓને પોતાના કર્મચારીઓને બહારનો રાસ્તો દેખાડી દીધો છે. ઓટોમોબાઈલ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં 10 લાખ લોકોની નોકરીઓ ગઈ છે. તે સિવાય રિટેલ સેક્ટરમાં 2 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. ત્યારે આઈટી સેક્ટરમાં 1 લાખ 50 હજાર, સ્ટાર્ટઅપમાં 1 લાખ અને બીએફએસઆઈમાં 30 હજાર લોકોએ પોતાની નોકરીથી હાથ ધોવાનો વારો આવ્યો છે. જાણકારોનું કહેવું છે કે, જ્યાં સુધી રોજગારી ગુમાવવાની વાત છે તો હજું ત્રણથી ચાર મહિના સુધી આ સ્થિતિ રહેવાની છે. જો કે ભવિષ્યની છટણી ઉપર ત્યાં સુધી અંકુશ લગાવી શકાશે, જ્યાં સુધી લોકડાઉન સમગ્ર રીતે પુર્ણ થઈ જશે અને માર્કેટમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ થઈ જશે.