રાજકોટ, રાજ્યની ખાનગી શાળાઓમાં ફી ન ભરતા વાલીઓના સંતાનોને કંઈ રીતે હેરાન કરવામાં આવે છે તે દર્શાવતો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટની ઉન્નતિ સ્કૂલમાં ફી ન ભરતા વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર બેસાડી હેરાનગતિની સાથે ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવતી હોવાના ગંભીર દૃશ્યો સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક વાલીએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો છે.

રાજકોટ શહેરની ખાનગી સ્કૂલ ઉન્નતિ સ્કૂલમાં વાલી પોતાના સંતાનની બાકી ફીની પૂછપરછ માટે શાળાએ પહોંચ્યા ત્યારે તેમને જે દૃશ્ય જાેયું તે ગંભીર હતું. કારણ કે ત્યાં ફી ન ભરતા ૧૦થી વધુ વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર લોબીમાં નીચે બેસાડ્યા હતા. આથી જાગૃત વાલીએ તે ઘટનનાનો વીડિયો ઉતારી લીધો હતો. વાલી આ વીડિયોમાં પૂછે છે કે તમને શા માટે બહાર બેસાડ્યા છે? તો એક વિદ્યાર્થિની કહે છે કે ફી નથી ભરી એટલે બહાર બેસાડ્યા છે. બાદમાં વિદ્યાર્થિનીએ વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષા હોય ત્યારે પેપર પણ ક્લાસને બદલે બહાર જ આપવામાં આવે છે. કોરોનાના કપરા કાળમાં શાળાઓ બંધ હતી ત્યારે તેમની આવક બંધ થઈ ગઈ હતી અને તકલીફ પડી એ સાચુ પરંતુ સ્કૂલ સંચાલકોએ એ પણ સમજવું રહ્યું કે વાલીઓ પણ કોરોનાકાળમાં વ્યવસાય વિનાના હતા. આથી ફી ભરવામાં મુશ્કેલી પડે. જેથી વાલીઓની પરિસ્થિતિ સમજી વિદ્યાર્થીઓની ફી માટે પઠાણી ઉઘરાણી ન કરવી જાેઈએ તેવી વાલીઓમાં માગ ઉઠી છે ફી માટે વિદ્યાર્થીઓને ક્લાસ બહાર બેસાડી અન્યોથી અલગ તારવવાથી બાળમાનસ પર ગંભીર અસર પડે છે. આથી કોઈ પણ ખાનગી શાળા આ પ્રકારની હેરાનગતિ કરતી હોય તો તેના સંચાલક સામે પગલાં લેવા જરૂરી બની રહે છે. તેવી માગ પણ વાલીઓ દ્વારા કરવામાં આવી છે.