વોશ્ગંટન-

અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા ગત અઠવાડિયે જાહેર કરવામા આવેલી નવી વીઝા પોલિસી વિરુદ્ધ ટેક કંપનીઓએ મોરચો ખોલ્યો છે. ગુગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ સહિત 10થી વધુ ટેક કંપનીઓ અને 17 રાજ્યોએ આ વીઝા પોલિસી અંગે ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ટેક કંપનીઓ અને રાજ્યોએ ડિસ્ટ્રીક્ટ કોર્ટ ઓફ મેસાચુસેટ્‌સમાં કેસ દાખલ કર્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરીટી અને અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિરુદ્ધ કેસ દાખલ કરવામા આવ્યો છે. કંપનીઓનું કહેવું છે કે આ નવી પોલિસી ક્રૂર, આકસ્મિક અને ગેરકાયદેસર છે. કંપનીઓએ નવી વીઝા પોલિસી પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. નવી વીઝા પોલિસીના વિરોધમાં હાર્વર્ડ યુનિવર્સિટી અને મેસાચુસેટ્‌સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી સહિત 60 થી વધુ વિશ્વવિદ્યાલયોએ પણ કેસ દાખલ કર્યો છે. 2018-19એકેડમિક યરમાં અમેરિકામાં 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ હતા. માત્ર મેસાચુસેટ્‌સમાં જ 77 હજારથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ છે જેઓ દર વર્ષે અમેરિકાની અર્થવ્યવસ્થામાં 3.2 બિલિયન ડોલરનું યોગદાન આપે છે. સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝીટર પ્રોગ્રામ અનુસાર આ વર્ષે જાન્યુઆરીમાં 1.94 556 ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાના અલગ અલગ શૈક્ષણિક સંસ્થાનોમાં એનરોલ હતા. તેમાં 1,26,132પુરુષ અને 68405 મહિલા સ્ટુડન્ટ્‌સ છે. નવા નિયમો લાગૂ થવાથી ભારતીય વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થશે.  

ટ્રમ્પ પ્રશાસને ૬ જુલાઇએ નવી વીઝા પોલિસી જાહેર કરી હતી. તેમાં વિદેશના વિદ્યાર્થીઓ માટે ક્લાસમાં જઇને અભ્યાસ કરવો ફરજિયાત કરવામા આવ્યો હતો. તેમાં કહેવામા આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ ક્લાસમાં જઇને અભ્યાસ નહીં કરે તેમના વીઝા સસ્પેન્ડ કરવામા આવશે. સાથે કહેવાયું છે કે જે વિદેશી વિદ્યાર્થીઓ ઘરે બેસીને ઓનલાઇન અભ્યાસ કરશે તેમને અમેરિકા છોડવું પડશે.