વડોદરા-

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગૂ ફૂંકાઈ ચૂક્યું છે. અને ચૂંટણીને લઈ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. તેવામાં આવનારી વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લઈ હવે વડોદરા ભાજપ દ્વારા ટ્રાન્સજેન્ડર્સને પેજ સમિતિ પ્રમુખની જવાબદારી સોંપી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. વડોદરામાં ૧૦૦થી વધુ ટ્રાન્સજેન્ડર્સે ભગવો ધારણ કર્યો હતો. આ ઉપરાંત રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલે પણ વિધિવત રીતે ભાજપમાં જાેડાયા હતા.

સયાજીગંજ સ્થિત મનુભાઈ ટાવર ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે આજ રોજ શહેરનાં ૧૦૦થી વધુ ટ્રાન્સજેન્ડર્સે નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ વિજય શાહની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. વડોદરા ભાજપ દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ૭૬ બેઠકો પર વિજય મેળવવા મિશન ૭૬ શરૂ કરાયું છે. જે અંતર્ગત અગાઉ ડોકટર, વકીલો સહિત અન્ય પ્રોફેશનલ્સને પેજ સમિતિ પ્રમુખ બનાવ્યા હતા.

જે અંતર્ગત આજ રોજ ટ્રાન્સજેન્ડર જે દેશમાં થર્ડ જેન્ડર તરીકે ઓળખાય છે તેઓને પણ ભાજપને જીતાડવાની જવાબદારી સોંપી માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. મહત્વની વાત છે કે કિન્નરો અને ટ્રાન્સજેન્ડર્સ માટે કાર્યો કરતાં રાજપીપળાનાં રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલે પણ આજે વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તો બીજી તરફ ટ્રાન્સજેડર્સનું માનવું છે કે રાજકારણમાં સૌથી મોટી પાર્ટીનો સાથ મળશે તો તેઓની સમસ્યાનું નિવારણ આવી શકે છે.