વડોદરા, વડોદરા શહેરમાં ગઈકાલે રાતથી વાવાઝોડા સાથે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં વૃક્ષો તેમજ ડાળીઓ તૂટી પડવાની સાથે હોર્ડિંગ્સ પડવાના બનાવો બનતા ફાયર બ્રિગેડ તંત્ર સતત દોડતું રહ્યું હતું. ગઈ રાતથી આજે રાત સુધીમાં ૧૧૦ જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાં એક બે સ્થળે વૃક્ષો ધરાશાયી થતાં વાહનો દબાઈ જવાના બનાવો બન્યા હતા. સદ્‌નસીબે કોઈને ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી. તાઉ-તે વાવાઝોડાની અસર હેઠળ વડોદરામાં સોમવાર રાતથી ધીમીધારે વરસાદર શરૂ થયો હતો. પરંતુ આજે સવારથી તેજ ગતિએ પવન ફૂંકાવાની સાથે દિવસ દરમિયાન વરસાદ જારી રહેતાં શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો તેમજ વૃક્ષોની ડાળીઓ તેમજ હોર્ડિંગ્સ ધરાશાગી થવાના બનાવો બનતાં ફાયર બ્રિગેડ તંત્ર સતત દોડતું રહ્યું હતું. ફતેગંજ અરવિંદ બાગ પાસે સયાજીબાગ મેઈન ગેટ સહિત વિવિધ સ્થળે ઝાડ ધરાશાગી થવાના બનાવો બન્યા હતા. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલ રાતથી આજે સાંજ સુધી વૃક્ષો ધરાશાયી થવાના ૧૧૦ જેટલા કોલ મળ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તૂટી પડેલ ઝાડની ડાળીઓ દૂર કરી હતી, જ્યારે અનેક હોર્ડિંગ્સ પણ ધરાશાયી થઈ ગયાં હતાં.

ગોત્રી હોસ્પિટલની કાચની પેનલ તૂટી પડતાં સ્ટાફ નર્સને ઈજા  વરસાદના પાણી વોર્ડમાં ભરાયાં

શહેરની સરકારી હોસ્પિટલ ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલ ડેડીકેટેડ કોવિડ કેરના પ્રથમ માળે વરસાદના પાણી ભરાઈ જવા સાથે ઉપલા માળની કાચની પેનલ તૂટી પડી હતી જે હોસ્પિટલના સ્ટાફ-નર્સ ઉપર પડતાં તેણીની લોહીલુહાણ થઈ ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ ન મળતાં તેણીને સારવાર માટે બાઈક ઉપર વરસાદમાં લઈ જવામાં આવી હતી. આ બનાવને પગલે હોસ્પિટલના સુપ્રિ. ડો.વિશાખા પંડયા અને અન્ય તબીબી અધિકારીઓ દોડી આવ્યા હતા. ઓએસડી ડો. રાવ પણ દોડી ગયા હતા અને બનાવની સમીક્ષા કરી વોર્ડ નં.૭૦૪માં બનેલ ઘટના બાદ દર્દીઓને પાંચમા અને છઠ્ઠા માળે સલામત સ્થળે શિફટ કરવામાં આવ્યા હતા. સૂસવાટા મારતા પવન અને વરસાદને કારણે ગોત્રી હોસ્પિટલમાં ભારે નુકસાન થયું હતું. કોવિડ વોર્ડમાં વરસાદી પાણી ભરાવવા સાથે કાચની પેનલ તૂટી પડી હતી.

અટલાદરા હોસ્પિટલ ફરીથી શરૂ કરાશે

વાતાવરણ પલટાને કારણે અટલાદરા હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ગઈકાલે રાત્રે આશરે સાડા નવ વાગ્યાની આસપાસ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તેમજ મેડીકલ સ્ટાફ દ્વારા તમામ મેડીકલ સાધનો તેમજ દવાનો જથ્થો પણ સલામતી પુર્વક સાચવવામાં આવ્યો છે.તેમજ પરીસ્થિતી સામાન્ય બનશે ત્યારે ફરીથી હોસ્પીટલ શરુ કરવામાં આવશે.

 બાઇકસવાર પિતા-પુત્ર પર હોર્ડિંગ્સ પડતાં ઇજાગ્રસ્ત

વડોદરા તાઉ-તે વાવાઝોડામાં વહેલી સવારથી ફૂંકાયેલા ભારે પવનને લઇ શહેર-જિલ્લામાં નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું છે. સવારથી શરૂ થયેલા સુસવાટાભેર પવન સાથેના વરસાદમાં શહેરની અંદર પ્રવેશવાના દ્વાર પર જાંબુવા પાસે વડોદરા પાલિકા દ્વારા લગાવવામાં આવેલું વેલકમનું હોર્ડિંગ્સ ધડાકા સાથે તૂટી પડ્યું હતું. ધડાકા સાથે તૂટી પડેલા હોર્ડિંગ્સ નીચે જાંબુવા ગામ પાસે આવેલા આર્યન સોસાયટીમાં રહેતા ગણેશભાઇ છગનભાઇ પરમાર (ઉં.વ.૪૦) અને તેમના પુત્ર હિતેન્દ્ર પરમાર (ઉં.વ.૧૯) દબાઇ જતાં ઇજાગ્રસ્ત થયા હતા. પિતા-પુત્ર બંને ઇજાગ્રસ્ત થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગણેશભાઇ પરમાર અને તેમનો પુત્ર હિતેન્દ્ર માણેજાથી પાણીનો જગ ભરીને બાઇક પર જામ્બુવા પોતાના ઘરે જઇ રહ્યા હતા, તે દરમિયાન હોર્ડિંગ્સ ધડાકાભેર તૂટી પડતાં ઘટના બની હતી. બાઇક પર પસાર થઇ રહેલા પિતા-પુત્ર ઉપર ધડાકા સાથે હોર્ડિંગ્સ તૂટી પડતાં જકાતનાકા પોલીસ ચોકીમાંથી પોલીસ કર્મચારીઓ અને સ્થાનિકો દોડી ગયા હતા અને હોર્ડિંગ્સ નીચે દબાયેલા પિતા-પુત્રને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જાે કે એકાએક બનેલા બનાવને લઇને વાહનવ્યવહાર થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો.

જિલ્લા અને તાલુકા નિયંત્રણકક્ષો આખી રાત ચાલુ રહ્યા

શહેર જીલ્લાના જીલ્લા નિયંત્રણ કક્ષ અને તાલુકા નિયંત્રણ કક્ષ વાવાઝોડાની અસરો પર નજર રાખવા સતત બીજા દિવસની આખી રાત ચાલુ રહ્યા હતા. લાયઝન અધિકારીઓએ સતત જીલ્લા નિયંત્રણ કક્ષ સાથે સંપર્ક જાળવ્યો હતો.જાેકે આવી પરસ્થિતી મોટેભાગે ચોમાસામાં ભારે વરસાદના સંજાેગોમાં સર્જાતી હોય છે. પરતું વાવાઝોડાને પગલે ચોમાસા અગાઉ જ આવી સ્થિતીનો સામનો કરવો પડયો હતો.

દિવસ દરમિયાન ર.પ ઈંચ વરસાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં

શહેરમાં આજે વાવાઝોડા સાથે દિવસ દરમિયાન અઢી ઈંચ વરસાદ ખાબકતાં એમ.જી. રોડ, સ્ટેશન વિસ્તારનું ગરનાળું સહિત શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જાે કે, વરસાદનું જાેર ઘટતાં ગણતરીના સમયમાં પાણી ઉતરી ગયાં હતાં. તાઉ-તે વાવાઝોડાની અસર હેઠળ શહેરમાં ગત રાત્રે ધીમીધારે વરસાદ થયા બાદ આજે સવારથી સતત તેજ ગતિએ સરેરાશ ર૧ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે દિવસ દરમિયાન હળવાથી ભારે ઝાપટાં જારી રહ્યાં હતાં. દિવસ દરમિયાન ખાબકેલા અઢી ઈંચ વરસાદને પગલે શહેરના રાવપુરા રોડ, એમ.જી.રોડ, સ્ટેશન વિસ્તારનું ગરનાળું, લહેરીપુરા દરવાજા, જેલ રોડ, સયાજી હોસ્પિટલ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. જેના પગલે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. સાંજે વરસાદનું જાેર વધતાં ઓફિસ છૂટવાના સમયે પણ પાણી ભરાતાં લોકો અટવાઈ ગયા હતા. જાે કે, વરસાદનું જાેર ઘટતાં ગણતરીના સમયમાં પાણી ઉતરી ગયાં હતાં.

મદનઝાંપા રોડ પર જર્જરિત મકાનનો ભાગ તૂટી ૫ડયો કોઈ જાનહાનિ નહીં

વાવાઝોડા અને વરસાદના કારણે શહેરના રાજમહેલ રોડ પર મદનઝાંપા રોડ પાસે સાયકલ બજારમાં જર્જરિત બંધ મકાનનો ભાગ તૂટી પડતાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ કરાતાં ફાયર બ્રિગેડના લાશ્કરો તરત જ દોડી ગયા હતા અને જર્જરિત ભાગને ઉતારી લીધો હતો. સદ્‌નસીબે આ મકાનમાં કેટલાક વરસોથી કોઈ રહેતું ન હોઈ જાનહાનિ થઈ ન હતી.