આણંદ : ખાનગી કંપનીઓને બેંકિંગ માટેના લાયસન્સ આપવાના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિર્ણયના વિરોધમાં આજે ટ્રેડ યુનિયનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળના સમર્થનમાં આણંદ - નડિયાદ શહેર સહિત બંને જિલ્લાની વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ, એલઆઈસી અને ઈન્કમટેક્સ કચેરીના કર્મચારીઓ, આશાવર્કરો અને આંગણવાડી વર્કરોએ હડતાળ પાડતાં બેંકિંગ સહિતની વિવિધ કામગીરી કામગીરી ઠપ થઈ ગઈ હતી. આજે જિલ્લામાં ૧૫૦ કરોડથી વધુના આર્થિક વ્યવહારો અટવાઈ ગયાં હતાં.  

ખાનગી કંપનીઓને બેંકિંગ માટેના લાયસન્સના વિરોધમાં એલઆઈસી અને બેંકના કર્મચારીઓ, આંગણવાડી તેમજ આશાવર્કરોએ આજે અમૂલ ડેરી રોડ ઉપર એલઆઈસી કચેરીના કમ્પાઉન્ડમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે રાષ્ટીયકૃત બેંકોમાં મોટાભાગની બેંકો જડબેસલાક બંધ રહી હતી. આરબીઆઈ દ્વારા ખાનગી કંપનીઓને બેંકિંગ લાયસન્સ આપવાના વિરોધમાં બેંક કર્મચારીઓ તેમજ સરકારની નીતિના વિરોધમાં તેમજ પબ્લિક સેક્ટરની સંસ્થાઓનું ખાનગીકરણ કરવાના વિરોધમાં આજે એલઆઈસીના કર્મચારીઓ તેમજ તેમના સમર્થનમાં આંગણવાડી અને આશાવર્કર પણ જાેડાયાં હતા.

આજે બેંક કર્મચારીઓ હડતાળમાં જાેડાતાં જિલ્લાભરની મોટોબાગની બેંકો જડબેસલાક બંધ રહી હતી. જેને લઈને આણંદ-ખેડા જિલ્લામાં કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો અટવાઈ પડ્યાં હતાં. ચેક ક્લીયરિંગની કામગીરી અટકી ગઈ હતી. પરિણામે અનેક વેપારીઓ અને ઉદ્યોગપતિઓની નાણાકીય લેવડ દેવડ અટકી જતાં આર્થિક નુકસાન થયું છે. આણંદ જિલ્લામાં આવેલી ૧૫થી વધુ રાષ્ટ્રીયકૃત બેંકોની ૨૭૫થી વધુ શાખાઓના ૨૫૦૦થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં જાેડાયાં હોવાનું સૂત્રોનું કહેવું છે.

બેંકોની જડબેસલાક હડતાળને લઈને ૧૦૦થી ૧૫૦ કરોડની આર્થિક લેવડ દેવડ અને ચેક ક્લીયરિંગની કામગીરીને અસર થઈ હતી. વેપારીઓ અને ઉદ્યોગપતિઓની નાણાકીય લેવડ દેવડ અટકી જતાં આર્થિક નુકસાન થયું છે. એલઆઈસી અને બેંકોના હડતાળ ઉપર ઊતરેલ કર્મચારીઓ અને અધિકારીઓ આણંદ શહેરમાં અમૂલ ડેરી રોડ પર મોટી શાક માર્કેટની પાસે આવેલી એલઆઈસી કચેરીના કમ્પાઉન્ડમાં પોતાની માગણીઓના સમર્થનમાં બેનરો પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કર્યો હતો. આ અંગે ઓલ ઇન્ડિયા ઇન્સ્યૂરન્સ એમ્પ્યોલોઇઝ યુનિયનના ખેડા ડિવિઝનના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્રની એનડીએ સરકાર ભારત સરકારના કર્મચારીઓની વિરોધી છે. આ સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિઓ તેમજ પબ્લિક સેક્ટરની સંસ્થાઓનું ખાનગીકરણ કરવાની નીતિના વિરોધમાં અમે આજે હડતાળ ઉપર ઊતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જિલ્લાભરમાં ૨૭૫થી વધુ બેંક શાખાઓ બંધ રહી

આજે આણંદ, ખંભાત, તારાપુર, બોરસદ, આંકલાવ, સોજિત્રા, ઉમરેઠ સહિત જિલ્લાભરમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંકોની ૨૭૫થી વધુ શાખાઓના કર્મચારીઓ હડતાળમાં જાેડાતાં બેંકિંગ કામગીરી ઠપ થઈ ગઈ હતી. બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન બેંક, ઓવરસીઝ બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, દેના બેંક, સેન્ટ્રલ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનિયન બેંક સહિતની ૧૫થી વધુ જાહેર ક્ષેત્રની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળમાં જાેડાતાં બેંકો જડબેસલાક બંધ રહી હતી.