નવી દિલ્હી

દેશમાં કોરોના વાયરસનો મોટો વિસ્ફોટ થયો છે. પહેલી વાર એક દિવસમાં 2 લાખથી પણ વધુ કેસ મળ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2,00,739 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 93,528 દર્દી રિકવર થયા છે અને 1038 લોકોના જીવ કોરોના વાયરસના કારણે ગયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 1,40,74,564 થઈ ગયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર નવા દર્દીઓમાં થઈ રહેલા સતત વધારાના કારણે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 14,71,877 સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત કોરોના વાયરસ અત્યાર સુધી 1,,73,123 લોકોના જીવ લઈ ચૂક્યો છે. કોરોના વાયરસ સામે હાલમાં દેશમાં રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો ચાલુ છે જેમાં અત્યાર સુધી વેક્સીનનો 11,44,93,238 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર બાદ કોરોના વાયરસના કેસ દેશની રાજધાની દિલ્લીમાં પણ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે દિલ્લીમાં એક દિવસની અંદર કોરોના વાયરસના 17282 નવા કેસ સામે આવ્યા. કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા દિલ્લી સરકારે હોટલ અને બેંક્વેટ હૉલને પણ હોસ્પિટલો સાથે એટેચ કરવાના આદેશ આપી દીધા છે. વળી, મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસના 58952 નવા દર્દી મળ્યા. કોરોના વાયરસની સ્થિતિ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા દેશના બધા રાજ્યપાલો સાથે વાત કરશે. આ ઉપરાંત દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ એલજીને મળીને કોરોના વાયરસની સ્થિતિ પર ચર્ચા કરશે.