ભરૂચ : સરદાર ડેમમાંથી ૨૩ ગેટ ખોલી ૮ લાખ ક્યુઉસેક જેટલું પાણી છોડાતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે. ભરૂચમાં નર્મદા નદીએ ૨૪ ફૂટની ભય જનક સપાટી વટાવી ૨૯ ફૂટે પહોંચતા તંત્રને હાઈએલર્ટ કરાયુ છે. પુરની સ્થિતિને લઈ ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયાના નદી કિનારાના અનેક ગામો પ્રભાવિત થયા છે. ત્રણે તાલુકાના અંદાજે ૨૫૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.  

ઓમકારેશ્વર ડેમ છલોછલ થતાં તેમાંથી પાણી છોડાતા સરદાર ડેમમાંથી પણ ૨૩ દરવાજા ખોલી ૮ લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા નર્મદા નદીમાં પ્રચંડ પૂરની સ્થિતિ ઉભી થઇ છે. આ વર્ષે ચોમાસામાં પહેલી વખત ભરૂચમાં નર્મદાનો પ્રવાહ ૨૪ ફૂટની ભય જનક સપાટી વટાવી ૨૯ ફૂટે વહેતા નર્મદા બે કાંઠે વહેતી થઈ હતી. નર્મદા નદીમાં પૂરની સંભાવનાને લઈ તંત્રએ અગાઉથી જ ત્રણે તાલુકાના ૪૯ ગામોને એલર્ટ કર્યા હતા. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફની ટીમ પણ તૈનાત કરાઇ હતી. સંભાવના મુજબ નર્મદામાં પ્રચંડ પૂર આવતા જિલ્લામાં અંદાજે૨૫૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. જેમાં ભરૂચ શહેરના નિચાણ વાળા વિસ્તાર નર્મદાના પાણી ફરી વળતા આશરે ૯૯૬ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. જ્યારે મંગલેશ્વરમાં ૨૭, નિકોરામાં ૧૩૭, શુકલતીર્થ ૫૬, કાદોડ બેટમાંથઈ ૩૨, દશાન બેટમાંથી ૩૧, તવરા બેટમાંથી ૧૬૦, મળી કુલ ૪૪૩ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. અંકલેશ્વરમાં સરફુદ્દીન માં ૩૩૫, ધતુંરિયામાં ૪૭, બોરભાઠા બેટમાં ૧૧૩, જુના હરિપુરમાં ૫૨, કંસિયામાં ૭૦, છાપરામાં ૫૬, સક્કરપોર ખાલપીયામાં ૧૩૯ મળી કુલ ૮૧૨ લોકોને અને ઝઘડિયાના ઓરપટારમાં ૭૭, તોઠીદરામાં ૪૧, તરસાલીમાં ૫૩, પોરામાં ૪૪ અને જરસાડમાં ૨૯, મળી કુલ ૨૮૯ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.