લોકસત્તા વિશેષ, તા.૧૦ 

શહેરના રાજમાર્ગો પર વગર પરવાનગીએ ૩૦૦થી વધુ ટ્રાફિક બુધ ઉભા કરી કોર્પોરેશનને વર્ષે રૂપિયા ૨ કરોડનો ચૂનો ચોપડવાનો ખેલ ચાલી રહ્યો છે. કોર્પોરશનમાં શેઠ બનીને ફરતા જમીન મિલકત કોમર્શીયલ વિભાગના અધિકારીઓ સાથેના ભાગબટાઈના ખેલમાં કોર્પોરેશનની પરવાનગી વગર જ છેલ્લા બે-ત્રણ વર્ષથી જાહેરાતનો વેપલો ચાલી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર શહેરમાં ખાનગી ઈમારતો કે મિલકતમાં ઉભા કરવામાં આવતા જાહેરાતના હોર્ડિંગ્સ માટે કોર્પોરેશન લાઈસન્સ ફીના નામે ચોક્કસ રકમની વસૂલાત કરતી હોય છે. આ ઉપરાંત શહેરના રાજમાર્ગો પર જાહેરાતના હોર્ડીંગ્સ, કિઓસ્ક અને પોલ માટેના ટેન્ડર બહાર પાડી તેમાંથી કોર્પોરેશન આવક કરતું હોય છે. પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી શહેરના રાજમાર્ગો પર ઉભા કરવામાં આવેલા ટ્રાફિક બુથની ઉપર જાહેરાતો મુકી લાખો રૂપિયા રળવામાં આવી રહ્યા છે. પરંતુ આ રકમમાંથી કોર્પોરેશનને ભરવા પાત્ર એક પણ રૂપિયો જમા કરાવવામાં આવતો નથી. એક જાણકારી મુજબ હાલ વડોદરા શહેરમાં ૩૦૦થી વધુ ટ્રાફિક બુથ દરેક ચાર રસ્તા પર ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ એક પણ બુથ પર કરવામાં આવતી જાહેરાત અંગે કોર્પોરેશનની પરવાનગી લેવામાં આવતી નથી.લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત વિગતો અનુસાર આ આખા ખેલમાં પાલિકાને વર્ષે રૂપિયા ૨ કરોડનો ચોખ્ખો રેવન્યુ લોસ થાય છે. પરંતુ આ રકમની ભાગબટાઈમાં પાલિકાના જ કેટલાક અધિકારીઓએ હાથ કાળા કર્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે. એક માહિતી મુજબ કોર્પોરેશનમાં શેઠ બની ફરતા જમીન મિલકત કોમર્શીયલના એક અધિકારીએ આ વહીવટમાં હાથ કાળા કર્યાનું કહેવાય છે.