ગાંધીનગર-

રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા સિનિયર સિટીઝન અને મહિલાઓ સુરક્ષિત છે, તેવી સરકાર દ્વારા અનેક પ્રકારની વાતો કરવામાં આવે છે, પરંતુ વિધાનસભાના સત્રમાં પ્રશ્નોત્તરીમાં સલામતીના મુદ્દે એવા આંકડા બહાર આવ્યા છે કે, આ સમાચાર સાંભળીને લોકો સ્તબ્ધ થઈ જાય. ગત ૫ વર્ષમાં કુલ ૬,૩૧૩ સામૂહિક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. આ વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોત્તરીમાં આંકડાઓ સામે આવ્યા છે.

અમદાવાદ શહેરમાં ગત પાંચ વર્ષમાં ૯૭૭ અને સુરતમાં ૯૫૩ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. સલામત કહેવાતા ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, જ્યારે સામૂહિક દુષ્કર્મના કેસોમાં પણ વધારો જાેવા મળ્યો છે. વર્ષ ૨૦૧૫-૧૬માં સામૂહિક દુષ્કર્મના ૫ કેસ હતા. જે ૨૦૧૯માં વધીને ૨૦ થયા છે. આમ સરેસાશ ૧૫ કેસનો વધારો ૫ વર્ષમાં થયો છે.

જ્યારે ગુજરાતમાં સૌથી વધુ દુષ્કર્મના બનાવો અમદાવાદ શહેરમાં અને ત્યારબાદ સુરત શહેરમાં બન્યા છે. ઓક્ટોબર ૨૦૧૫થી સપ્ટેમ્બર ૨૦૧૬ના અરસામાં અમદાવાદ શહેરમાં ૧૬૫ દુષ્કર્મ અને એક સામૂહિક દુષ્કર્મની ઘટના નોંધાઈ છે. વર્ષ ૨૦૧૭માં ૧૮૮, વર્ષ ૨૦૧૮માં ૨૦૨, વર્ષ ૨૦૧૯માં ૨૨૬ અને વર્ષ ૨૦૨૦માં ૧૯૬ દુષ્કર્મના બનાવો સામે આવ્યા છે.

ભાવનગર અને રાજકોટ શહેરમાં પણ આ આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં વર્ષ-૨૦૧૫-૧૬માં ૧૧૭, ૨૦૧૬-૧૭માં ૧૩૬ દુષ્કર્મની ઘટના નોંધાઈ છે. ભાવનગર અને રાજકોટ શહેરમાં પણ આ આંકડા ચિંતાજનક છે. સુરત શહેરમાં સૌથી વધુ ૩૩ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જ્યારે અમદાવાદમાં ૧૯, વડોદરામાં ૧૦, જામનગરમાં ૧૧, બનાસકાંઠામાં ૨૧, ભાવનગર ૧૨ અને સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૦ દુષ્કર્મના આરોપીઓ હજૂ પણ પોલીસ પકડથી દૂર છે.