વડોદરા

વડોદરા પંથકમાં દિવસે ને દિવસે કોરોના ભયાનક સ્વરૂપ લઇ રહ્યો છે. વડોદરા શહેર-જિલ્લામાં વકરતો કોરોના કાબૂ બહાર જઈ રહ્યો છે. જેને લઈને એવી કરુણ સ્થિતિ સર્જાવા પામી છે. હોસ્પિટલથી સ્મશાનો સુધી સર્વત્ર હાઉસફૂલનાં પાટિયાં ઝૂલવા લાગ્યાં છે, આને લઈને માનવી બેબાકળો બનીને શૂન્યમસ્ક થઇ આમ-તેમ રઝળ્યા કરે છે. પરંતુ લાચાર બનેલા માનવીની દયા કઠોર હૃદયના શાસકો અને તંત્રને લગીરેય ન હોય એમ બેફિકર તંત્ર એને ફૂટબોલની માફક અહીંથી ત્યાં ફંગોળીને એની લાચારીને મજાક બનાવી દીધી છે. ત્યારે આ સંજાેગોમાં ઊભી થયેલી કટોકટીભરી સ્થિતિમાં દિવસે ને દિવસે કોરોનાને લઈને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. આજે વધુ ૯૦ લોકોનાં કોરોનાથી મોત નિપજ્યાં છે, જ્યારે અત્યાર સુધી આ તબક્કાના સૌથી વધુ ૪૭૨ વ્યક્તિઓ પોઝિટિવ આવતાં આવા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. કોરોનાનો વ્યાપ એટલા મોટા પ્રમાણમાં જાેવા મળી રહ્યો છે કે દર્દીઓ જલદી સાજા થતા નથી તેમજ એમનામાં કોઈ ને કોઈ નવા સિમટમ્સ જાેવા મળતા તબીબીઆલમ પણ કોરોનાની ચાલને પારખી શકતું નથી. જેને કારણે આજે સરકારી હોસ્પિટલોમાંથી માત્ર એક જ દર્દીને જ રજા આપવામાં આવી છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાંથી ૨૪ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાંથી માત્ર ૨૫ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારેે રજા અપાયેલા કુલ દર્દીઓની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.

આજે માત્ર ૩૦૭ને રજા અપાઈ છે, જેમાં એક સરકારી અને ૨૪ ખાનગી હોસ્પિટલના દર્દીઓ ઉપરાંત ૨૮૨ હોમ ક્વોરન્ટાઇનના દર્દીઓનો સમાવેશ થાય છે. આવી દારુણ વકરતી જતી પરિસ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના સંક્રમિતોના કેસો સતત વધી રહ્યા છે. જેમાં આજે વધુ ૪૭૫ પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થવા પામ્યો છે. જ્યારે બિનસત્તાવાર રીતે મૃતાંક ૯૦ છે, જે આંક મોડી સાંજે સદીને વટાવી ગયાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ નફ્ફટ તંત્ર સત્યનો સ્વીકાર કરવાને બદલે હજુ સત્તાવાર માત્ર ૩નાં મોતને બહાલી આપી રહ્યું છે. અત્યાર સુધી કુલ ૩૫,૪૪૬ દર્દીઓમાં આજના ૪૭૨ દર્દીઓના વધારા સાથે એનો આંક ૩૫,૯૧૮ સુધી પહોંચ્યો છે, જે આ તબક્કાનો વિક્રમી આંક છે. આજે વડોદરા શહેરના ૨૮ જેટલા અને વડોદરા ગ્રામ્યના ૯ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. આમ શહેર-જિલ્લાના ૩૭ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વિસ્તરતાં એ બાબત ચિંતાનો વિષય બની ચૂકયો છે. આજરોજ લેવાયેલા ૬૩૧૩ સેમ્પલોમાંથી ૫૮૪૧ નેગેટિવ અને ૪૭૨ પોઝિટિવ આવ્યા છે. જ્યારે સરકારી દફતરે સત્તાવાર રીતે ગણાયેલા ૨૮૩ મૃતાંકમાં વધુ ત્રણનો ઉમેરો થતાં સરકારી ચોપડે મૃતાંકની સંખ્યા ૨૮૬ સુધી પહોંચી છે. હાલમાં કુલ ૫૦૯૬ જેટલા કોરોના પોઝિટિવના દર્દીઓ દાખલ છે, જેમાં ૪૬૧૪ સ્ટેબલ, ૨૯૭ ઓક્સિજન ઉપર અને ૧૮૫ વેન્ટિલેટર ઉપર સારવાર લઇ રહ્યા છે. આજે સરકારી હોસ્પિટલોમાંથી માત્ર એક અને ખાનગી હોસ્પિટલોમાંથી ૨૪ તેમજ હોમ આઇસોલેશનમાંથી ૨૮૨ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ દિવસ દરમિયાન ૩૦૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગતરોજ સુધી કરાયેલા ૩૦,૨૨૯ દર્દીઓમાં વધુ ૩૦૭નો ઉમેરો થતાં સંખ્યા ૩૦,૫૩૬ થતાં હવે એનો આંકડો ૩૦ હજારને આંબી ગયો છે. કોવિડ-૧૯ના જે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હોય છે, તેઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. આવી ૮૪૮૭ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાઈ છે. આમ હાલના તબક્કે કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે અત્યંત વિકટ બની રહી છે, જેને લઈને ખુદ તંત્રના આયોજકો પણ ગણતરીઓ ઊંધી પડતાં માથું ખંજવાળી રહ્યા છે, એટલું જ નહિ, કોરોનાના કહેર સામે તંત્ર વામણું સાબિત થયું છે. જ્યારે કોરોના દિવસે ને દિવસે વામનમાંથી વિરાટ પછીથી હવે તો સંક્રમણ અને મોતના બંને મામલે મહાકાય સ્વરૂપે નજરે પડી રહ્યો છે, એવી લાગણી વડોદરાના શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોમાં પ્રવર્તી રહી છે.

સયાજીગંજમાં ભારે ભીડ - સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડયા

વડોદરા. કોરોના બેકાબૂ બનતાં શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. કોરોનાના ટેસ્ટિંગ માટે ખાનગી લેબોરેટરીમાં ભારે ભીડ થાય છે પરંતુ રિપોર્ટ મોડો આવતાં હોવાથી એસએસજી હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટિંગ માટે લાઈનો લાગે છે. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન જળવાતું નહી હોવાના દૃશ્યો સર્જાયા છે. તંત્ર દ્વારા વારંવારની વિનંતી કરવા છતાં લોકોની ભીડ ઓછી થતી નથી અને લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા નથી. જેને કારણે કોરોના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.

કુંભમેળામાંથી પરત ફરનારાઓના રેલવે સ્ટેશને ટેસ્ટ કરાયા

ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે યોજાયેલ કુંભમેળામાં ભારે ભીડ એકઠી થયા બાદ ત્યાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. તંત્રે અગમચેતીના પગલાંના ભાગરૂપે કુંભમેળામાંથી પરત ફરનારાઓનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન ખાતે કોરોના આરટી-પીસીઆર ટેસ્ટિંગના ખાસ બૂથ પણ ઊભા કરાયા હતા. જ્યાં આજે ટ્રેન મારફતે કુંભમેળામાંથી પરત ફરતા પેસેન્જરોના ટેસ્ટિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ફલાઇટમાં જે પ્રવાસીઓ ઇ્‌ઁઝ્રઇ વગરના હશે તેમની યાદી એડ્‌વાન્સમાં મળશે

જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા એરપોર્ટ ડાયરેક્ટર સાથે સંકલનથી ગોઠવવામાં આવેલી વ્યવસ્થા હેઠળ નવી દિલ્હી વિમાની મથકેથી ફ્લાઇટમાં વડોદરા આવવા માટે જે મુસાફરો વિમાનમાં સવાર થશે એ પૈકી જેની પાસે આરટીપીસીઆર નહિ હોય એમની યાદી એડ્‌વાન્સમાં વડોદરા વિમાની મથકે મળી જશે. આજે દિલ્હીથી વડોદરાની ઇંડીગો ફલાઇટ ધ્વારા આરટીપીસીઆર વગરના પ્રવાસીઓની યાદી એડ્‌વાન્સમાં મળેલ હતી. આવા પ્રવાસી વડોદરામાં ઉતરે કે તુરત જ એરપોર્ટ ઓથોરિટી અને કોર્પોરેશનના સંકલનથી એમનું ત્ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. આ વ્યવસ્થા પ્રમાણે આજથી આ પ્રકારના આરટીપીસીઆર વગરના પ્રવાસીઓનું લાઈન લિસ્ટ તેઓ વિમાનમાં બેસે કે તુરત જ અત્રે મળવાનું શરુ થઇ ગયું છે .

વેન્ટિલેટર ઉત્પાદક કંપનીએ રૂા.૮ કરોડના ૧૨૦ વેન્ટિલેટર ૩ મહિના માટે ઉપયોગમાં લેવા પૂરા પાડ્યા

વડોદરામાં મકરપુરા ખાતે આવેલી એ.બી.ઇન્ડસ્ટ્રીઝ જીવન રક્ષામાં અનિવાર્ય ઉપયોગીતા ધરાવતા મેક્સ પ્રોટોન પ્લસ વેન્ટિલેટર બનાવે છે અને ગુજરાત સહિત દેશના વિવધ રાજ્યોને પૂરા પાડે છે.કોરોના સામેની લડતમાં આ કંપનીએ તંત્રને ખૂબ ઉપયોગી જીવન રક્ષક યોગદાન આપ્યું છે અને મજબૂત પીઠબળ પૂરું પાડ્યું છે. બે અઠવાડિયા પહેલાં આ કંપનીએ માત્ર ટેલીફોનીક વિનંતીને માન આપીને રૂ.૮ કરોડની કિંમતના ૧૨૦ વેન્ટિલેટર નામ માત્રના ભાડાથી વડોદરાના કોવિડ દર્દીઓ માટે કામચલાઉ ઉપયોગમાં લેવા સંમતિ આપી હતી. આ કંપની પાસે હાલમાં દેશના વિવિધ રાજ્યોમાંથી વેન્ટિલેટરની મોટી માંગ છે. તેમ છતાં,કંપનીએ ગુજરાત મેડિકલ સર્વિસિસ કૉર્પોરેશન લિમિટેડના માધ્યમથી ખરીદવાના છે તેવા, વડોદરા માટે વધુ ૧૦૦ વેન્ટિલેટર અગ્રતાના ધોરણે એક સપ્તાહમાં પૂરા પાડવા સંમતિ આપી છે.સામાન્ય રીતે આવો ઓર્ડર પૂરો કરતા એક મહિનાનો સમય લાગી શકે. ડો.રાવે આ કંપનીની મુલાકાત લીધી ત્યારે આ માનવતાભર્યા સૌજન્ય માટે કંપનીના એમ.ડી.અશોક પટેલ અને ટીમને દિલથી ધન્યવાદ આપ્યા હતા.

વડોદરા શહેર અને ગ્રામ્યના ૩૭ જેટલા વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં વધારો નોંધાયો

વડોદરા શહેરના અંદાજે ૨૮ જેટલા અને ગ્રામ્યના અંદાજે ૯ જેટલા મળીને કુલ ૩૭ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ પ્રસર્યું છે. અલબત્ત ગતરોજ કરતા એમાં અગીયાર વિસ્તારોમાં કોરોના સંક્રમણનો વ્યાપ ઘટેલો જાેવા મળ્યો છે. એમાં સ્વાદ, વારસિયા, સમા, પાણીગેટ, ગાજરાવાડી, કપુરાઇ, યમુનામીલ, કિશનવાડી, અકોટા, માંજલપુર, ગોરવા, નવાયાર્ડ, દિવાળીપુરા, વાઘોડિયા રોડ, શિયાબાગ, એકતાનગર, દંતેશ્વર, વડસર, મકરપુરા, અટલાદરા, માંડવી, સુદામાપુરી, નવાપુરા,નવીધરતી, ચાણક્યપુરી, માણેજા, ગોકુલનગર અને સુભાનપુરા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.જયારે ૯ ગ્રામ્યના વિસ્તારોમાં શિનોર, પાદરા, મંજુસર, વરણામા, પોર, ઈટોલા, લીમડી, વડુ અને વેમાલી વિસ્તારોનો સમાવેશ થાય છે.

પાલિકાની ટીમો દ્વારા તમામ વિસ્તારોમાં પ્રજાને જાગૃત કરવાનું કામ કરાયું

વડોદરા શહેરમાં નાગરિકો અને વેપારીઓ દ્વારા કોવિડ ગાઇડલાઇનના ઉલ્લંઘનની બાબત ધ્યાને આવતા મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે અધિકારીઓની ખાસ જાેઇન્ટ એનફોર્સમેન્ટ ટીમ (જેટ)ની રચના કરવામાં આવી છે, વિવિધ સ્થળોએ ચેકીંગ દરમિયાન કોવિડ–૧૯ની ગાઇડલાઇનનું પાલન થતું ન હોવાને કારણે જાહેર આરોગ્યના હિતમાં તેમજ માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરનાર પાસેથી રૂ.૧૫,૯૦૦/-ના દંડની વસુલાત કરવામાં આવી હતી.આજરોજ વોર્ડ-૧૨માં સુસેન સર્કલ ખાતે, વોર્ડ-૫માં બગીખાના ખાતે, વોર્ડ-૧૧માં સનફાર્મા રોડ સ્થિત આવેલ ઓસીયા મોલ, પતંજલિ સ્ટોર અને સાઉથ વેસ્ટ મોલ ખાતે, અકોટા ડી માર્ટ ખાતે, વૃંદાવન ચાર રસ્તા ખાતે, આજવા રોડ ચાર રસ્તા ખાતે, બાપોદ શાક માર્કેટ ખાતે રાહદારી નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અને માસ્ક પહેરવા માટેનું એનાઉનસમેન્ટ કરાયું હતું તેમજ માર્ગદર્શિકાના લિફ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૧૩ અને ગ્રામ્યમાં ૧૯૬ કેસ નોંધાયા

કોરોનાના બીજા તબક્કામાં વડોદરા શહેરમાં એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૪૭૨ કેસ નોંધાયા છે. જેમાં વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૧૩ કેસ નોંધાયા છે. જયારે ગ્રામ્યમાં ૧૯૬ કેસ નોંધાયા છે. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં ૪૬, ઉત્તરમાં ૮૬ અને દક્ષિણમાં માત્ર ૩૧ કેસ નોંધાયા છે. અલબત્ત અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં સૌથી વધુ કેસો ઉત્તર ઝોનમાં ૭૦૨૯ કેસ નોંધાયા છે. જયારે ગ્રામ્યમાં ૧૦૨૩૫ કેસ નોંધાયા છે. સૌથી વધુ મોત ગ્રામ્યમાં ૬૫ અને ઉત્તર ઝોનમાં ૬૪નોંધાયા છે.જયારે શહેરના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો પૂર્વમાં ૪૯,પશ્ચિમમાં ૫૧ અને દક્ષિણમાં ૫૭ વ્યક્તિઓના મોત નોંધાયા છે.

પોલીસની ‘શી’ ટીમ પ્લાઝમા ડોનર માટે કાર્યરત કરાઈ

વડોદરા. હાલમાં કોરોના સંક્રમણની વૈશ્વિક મહામારી ચાલી રહી છે અને આ મહામારી દરમિયાન ઊભા થયેલા અનેક પડકારો પૈકી પ્લાઝમા ડોનરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. જેને ધ્યાનમાં રાખીને ‘શી’ ટીમ અને ‘ફાઈન્ડ પ્લાઝમા ડોનર’ ટીમના સંયુક્ત ઉપક્રમે બંને ટીમ સાથે મળીને પ્લાઝમા ડોનેટ કરવામાં અને પ્લાઝમા મેળવવામાં મદદ કરશે. જે કોઈપણ વ્યક્તિ પ્લાઝમા ડોનેટ કરવા ઉત્સુક છે અથવા તો કોઈ વ્યક્તિને કે તેમના કુંટુંબીજનોને પ્લાઝમા ડોનરની જરૂરિયાત છે તો ‘શી’ ટીમનો સંપર્ક કરી શકે છે. ‘શી’ ટીમનો સંપર્ક નંબર - ૭૪૩૪૮૮૮૧૦૦ અથવા વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ નંબર - ૧૦૦ તેમજ વેબસાઈટ ઉપર આપનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ‘શી’ ટીમ ફાઈન્ડ પ્લાઝમા ડોનર ટીમના સંકલનથી આપની સહાયતા માટે તત્પર છે તેમ એક યાદીમાં જણાવાયું છે.