વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના આંધી સાથે આવતા દરિયાના તોફાન અને ભરતીની માફક આગઝલ વધી રહ્યો છે.જેને લઈને એની ઝપટે ચઢેલા દર્દીઓ પૈકી અનેક દર્દીઓના અકાળે મોત નીપજી રહયા છે. તેમ છતાં તંત્રને માટે એને અંકુશમાં લેવાને માટે મોટી સમસ્યાઓ સર્જાવા માંડી છે. આ કારણસર તંત્રને માટે નવા નવા આયોજનો પર ધ્યાન આપવું કે દર્દીઓની તાકીદની સારવાર પર એ મુંઝવણ ઉભી થઇ રહી છે. આ બે મુંઝવણોમાં તંત્રની દશા સુડી વચ્ચે સોપારી જેવી થવા પામી છે. આ સંજાેગોમાં ઉભી થયેલી કટોકટીભરી સ્થિતિમાં દિવસે દિવસે કોરોનાને લઈને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહયા છે. આજે વધુ ૯૦ લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. જયારે અત્યાર સુધીના આ તબક્કાના સૌથી વધુ ૪૫૯ પોઝિટિવ આવેલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. કોરોનાનો વ્યાપ એટલા મોટા પ્રમાણમાં જાેવા મળી રહ્યો છે કે દર્દીઓ જલ્દી સાજા થતા નથી.તેમજ એમનામાં કોઈને કોઈ નવા સિમટમ્સ જાેવા મળતા તબીબી આલમ પણ કોરોનાની ચાલને પારખી શકતું નથી. જેને કારણે આજે સરકારી હોસ્પિટલોમાંથી માત્ર ત્રણ દર્દીઓને જ રજા આપવામાં આવી છે. જયારે ખાનગી હોસ્પિટલોમાંથી ૧૮ દર્દીઓને રાજા આપવામાં આવી છે. આમ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાંથી માત્ર ૨૧ને રાજા અપાઈ છે. જયારે રજા અપાયેલા કુલ ૨૪૩ દર્દીઓમાં તો ૨૪૩ હોમ ક્વોરોનટાઇનના દર્દીઓનો સમાવેશ થાય છે. આવી દારુણ વકરતી જતી પરિસ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના સંક્રમિતોના કેસો સતત વધી રહ્યા છે. જેમાં આજે વધુ ૪૫૯ પોઝીટીવ દર્દીઓનો ઉમેરો થવા પામ્યો છે. જયારે બિનસત્તાવાર રીતે મૃતાંક ૯૦ છે.જે આંક મોડી સાંજે સદીને વટાવી ગયાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ નફ્ફટ તંત્ર સત્યનો સ્વીકાર કરવાને બદલે હજુ સત્તાવાર માત્ર ત્રણના મોતને બહાલી આપી રહ્યું છે. અત્યાર સુધીના કુલ ૩૪૫૨૬ દર્દીઓમાં આજના ૪૫૯ દર્દીઓના વધારા સાથે એનો આંક ૩૪૯૮૫ સુધી પહોંચ્યો છે. જે આ તબક્કાનો વિક્રમી આંક છે. આજે વડોદરા શહેરના ૨૯ જેટલા અને વડોદરા ગ્રામ્યના ૭ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. આજરોજ લેવાયેલા ૬૨૫૧ સેમ્પલોમાંથી ૫૭૯૨ નેગેટિવ અને ૪૫૯ પોઝિટિવ આવ્યા છે. જયારે સરકારી દફતરે સત્તાવાર રીતે ગણાયેલા ૨૭૮ મૃતાંકમા વધુ ત્રણનો ઉમેરો થતા સરકારી ચોપડે મૃતાંકની સંખ્યા ૨૮૧ સુધી પહોંચી છે. હાલમાં કુલ ૪૭૯૮ જેટલા કોરોના પોઝિટિવના દર્દીઓ દાખલ છે. જેમાં ૪૪૬૮ સ્ટેબલ,૧૯૯ ઓક્સિજન ઉપર અને ૧૩૧ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. આજે સરકારી હોસ્પિટલોમાંથી ત્રણ અને ખાનગી હોસ્પિટલોમાંથી અઢાર તેમજ હોમ આઇસોલેશનમાંથી ૨૨૨ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ દિવસ

દરમ્યાન ૨૪૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ઓક્સિજન સિલિન્ડર હટાવવાથી સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો

વડોદરા શહેરના આજવા રોડ ઉપર કેર હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલને કોવિડના દર્દીઓની સારવાર માટે મંજૂરી આપવામાં આવેલી છે. હોસ્પિટલના સંચાલકો દ્વારા કોવિડના દર્દીઓ માટે મંગાવવામાં આવતા ઓક્સિજન સિલિન્ડર હોસ્પિટલની અંદર વ્યવસ્થા કરવાને બદલે બાજુમાં આવેલી અંબિકા દર્શન સોસાયટીના ગેટ પાસે ઓક્સિજન સિલિન્ડર મૂકવામાં આવતા સ્થાનિક લોકોએ ઓક્સિજન સિલિન્ડર ગેટ પાસેથી હટાવવાની માગ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો.

શહેર અને ગ્રામ્યના ૩૬ જેટલા વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં વધારો નોંધાયો

વડોદરા શહેરના અંદાજે ૨૯ જેટલા અને ગ્રામ્યના અંદાજે ૭ જેટલા મળીને કુલ ૩૬ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ પ્રસર્યું છે. અલબત્ત ગતરોજ કરતા એમાં ચાર વિસ્તારોનો ઘટાડો જાેવા મળ્યો છે. શહેરના જે ૨૯ વિસ્તારોમાં કોરોનાના કેસો જાેવા મળ્યા છે.એમાં સ્વાદ, વારસિયા, છાણી , પાણીગેટ, ગાજરાવાડી, કપુરાઇ, યમુનામીલ, કિશનવાડી, ગોત્રી, અકોટા, માંજલપુર, ગોરવા, રામદેવનગર. કારેલીબાગ,નવાયાર્ડ, દિવાળીપુરા,બાપોદ,વાઘોડિયા રોડ, નવાબજાર, ફતેપુરા, હાથીખાના,સિયાબાગ , એકતાનગર, દંતેશ્વર, વડસર, મકરપુરા,તરસાલી, અટલાદરા,અલકાપુરી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.જયારે ૭ ગ્રામ્યના વિસ્તારોમાં ડભોઇ, બાજવા, રણોલી, ઉંડેરા, મહાપુરા,સેવાસી, ભાયલી વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.

શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૭૬ અને ગ્રામ્યમાં ૧૭૩ કેસ નોંધાયા

કોરોનાના બીજા તબક્કામાં વડોદરા શહેરમાં એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૪૫૯ કેસ નોંધાયા છે. જેમાં વડોદરા શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૭૬ કેસ નોંધાયા છે. જયારે ગ્રામ્યમાં ૧૭૩ કેસ નોંધાયા છે. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં ૬૬, પશ્ચિમમાં ૭૧ અને ઉત્તરમાં ૭૩ કેસ નોંધાયા છે. અલબત્ત અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં સૌથી વધુ કેસો ઉત્તર ઝોનમાં ૬૮૭૧ નોંધાયા છે. જયારે ગ્રામ્યમાં ૯૮૫૦ કેસ નોંધાયા છે. સૌથી વધુ મોત ગ્રામ્યમાં ૬૪ અને શહેરના ઉત્તર ઝોનમાં ૬૨ નોંધાયા છે. આ ઉપરાંત પૂર્વમાં ૪૮,પશ્ચિમમાં ૫૦, દક્ષિણમાં ૫૭ વ્યક્તિઓના મોત નોંધાયા છે.