વડોદરા, તા.૧૫ 

ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી બે દિવસમાં ૪૦૦થી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં મોટાભાગના ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓમાં કબૂતરોનો સમાવેશ થાય છે. જ્યારે ૩૫ કબૂતરોના મોત થયાં હતાં. કરુણા અભિયાન અંતર્ગત ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. ઉત્તરાયણ પર્વે પતંગના દોરા આકાશમાં મુક્તપણે વિહાર કરતા પક્ષીઓ માટે ફાંસીના ફંદા સમાન બની જાય છે. ત્યારે વન વિભાગ દ્વારા એનજીઓની મદદથી શહેર-જિલ્લામાં વિવિધ સ્થળોએ સેન્ટરો ઊભા કરી ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓ માટે છેલ્લા પાંચ દિવસથી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉત્તરાયણ પર્વે ૨૪૫ અને વાસી ઉત્તરાયણ પર્વે ૧૫૫ જેટલા એટલે કે બે દિવસમાં ૪૦૦થી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતા. શહેરી વિસ્તારમાં કબૂતરો મોટા પ્રમાણમાં હોવાથી ઈજાગ્રસ્ત પક્ષીઓમાં કબૂતરોની સંખ્યા વધુ છે. આ ઉપરાંત પોપટ, ચામાચીડિયું, બ્લેક આઈબીઝ, ગ્રેલેગ ગુમુ, કોયલ, બતક, ટીંટોડી, ઈગલ, બાજ વગેરેનો સમાવેશ થાય છે. વન વિભાગના અધિકારી નિધિ દવેએ જણાવ્યું હતું કે, તા.૧૦મી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં બર્ડ ફલૂના કારણે તકેદારી સાથે વિવિધ સેન્ટરો ઉપર પીપીઈ કિટ, હેન્ડ ગ્લવ્ઝ અને સેનિટાઈઝર જેવી વ્યવસ્થા સાથે ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.