શહેરા : પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રીયા થઇ હતી. જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ સાંજના પાંચ કલાક સુધીમાં ૪૮૪૧૧ પુરુષો અને ૩૮૪૦૭ મહિલાઓ સહિત કુલ ૮૬૮૧૮ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા ૩૯.૬૦ ટકા મતદાન નોંધાયું હતું. મતદાન પ્રક્રીયા દરમિયાન એક કન્ટ્રોલ યુનિટ, એક બેલેટ યુનિટ અને એક વીવીપેટ ખોટકાઇ જતાં તેને તત્કાલ રિપ્લેસ કરવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી તંત્રએ એમ પણ જણાવ્યું કે, મોરવા હફડની પેટા ચૂંટણીમાં કોઇ પણ સ્થળે અનિચ્છીય બનાવ નોંધાયો નથી.

કોવિડ-૧૯ની મહામારી વચ્ચે સમગ્ર મતદાન પ્રક્રીયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાતા કલેક્ટર અમિત અરોરાએ તમામ ચૂંટણીકર્મીઓની જહેમતને બિરદાવી હતી. આ ઉપરાંત લોકશાહીના આ પર્વમાં સહભાગી થનારા તમામ નાગરિકો, રાજકીય પક્ષો, મીડિયાકર્મીઓ પ્રત્યે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. હવે, આગામી તા. બીજી મેના રોજ આ પેટાચૂંટણીની મતગણના સરકારી કોલેજ, મોરવા હડફ ખાતે હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષિત રાખવામાં આવશે. ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને મતદારોમાં વહેલી સવારમાં જ મતદાન કરી નાખવાનો ટ્રેન્ડ જાેવા મળ્યો હતો. મોરવા હડફ બેઠકના વિવિધ મતદાન મથકો ઉપર સવારમાં જ મતદારોએ લાઇનો લગાવી હતી. મતદારોને સર્વ પ્રથમ થર્મલ ગનથી ચકાસવામાં આવતા હતા. જાે તેમના શરીરનું તાપમાન સામાન્ય હોય તો જ તેમને મતદાન કેન્દ્ર પરિસરમાં પ્રવેશ આપવામાં આવતો હતો. આ ઉપરાંત, તેમને સેનેટાઇઝરથી હાથ સાફ કર્યા બાદ પ્લાસ્ટિક મોજા પણ ઉ૫લબ્ધ કરાવવામાં આવ્યા હતા. કોરોના સામે સુરક્ષિત કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા કરાવેલી વ્યવસ્થાથી મતદારો પ્રભાવિત થયા હતા. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોવિડ-૧૯ની માર્ગદર્શિકાના

સંપૂર્ણ પાલન સાથે આ પેટા ચૂંટણી કરવામાં આવી છે. ઘણા મતદાન મથકો ઉપર મહિલાઓ અને યુવા મતદારોની લાંબી કતારો જાેવા મળી હતી. ખાસ કરીને લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા માટે યુવા મતદારો ભારે ઉત્સુક હતા. કેટલાક યુવા મતદારોએ જિલ્લા ચૂંટણી દ્વારા આપવામાં આવેલી સમજ તો કેટલાક મતદારોએ ઇન્ટરનેટના માધ્યમથી કેવી રીતે ઇવીએમ દ્વારા મતદાન કરવું તેની સમજણ મેળવી હતી. જિલ્લા ચૂંટણી દ્વારા કોઇ મતદાર બાકી ન રહી જાય એવી વ્યવસ્થાના ભાગ રૂપે દિવ્યાંગો માટે ખાસ વ્હિલચેર તથા વાહન સાથે સ્વયંસેવકોનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. કેટલાક મતદાન મથકો ઉપર આવા સ્વયં સેવકો દિવ્યાંગ મતદારોએ સહાયરૂપ બનતા જાેવા મળ્યા હતા. જિલ્લા કક્ષાએથી કલેક્ટર અમિત અરોરા, એસપી લીના પાટીલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા સમગ્ર પ્રક્રીયા ઉપર સતત નજર રાખી રહ્યા હતા.