વડોદરા : વડોદરા શહેરની નિર્દોષ અને સંસ્કારી પ્રજાને શાસકો અને તંત્રના પાપે કોરોનાના કપરા કાળમાં અને એના વરવા ભયાનક સ્વરૂપ અને કહેરમાં “જાએ તો જાએ કહા” જેવી દારુણ સ્થિતિમાં મુકાઈ ગઈ છે. શહેરમાં કોરોનાનો પંજાે વધુને વધુ વિકરાળ બની રહ્યો છે. જેમાં આજે વધુ ૪૦૩ પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થવા પામ્યો છે. જાે કે મૃતાંક ૫૮ના આંકને વટાવી ગયો છે. પરંતુ નફ્ફટ તંત્ર સત્યનો સ્વીકાર કરવાને બદલે હજુ સત્તાવાર માત્ર બે વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યાનું જણાવી રહ્યા છે. અત્યાર સુધીના કુલ ૩૧૪૯૯ દર્દીઓમાં આજના ૪૦૩ દર્દીઓના વધારા સાથે એનો આંક ૩૧૯૦૨ સુધી પહોંચ્યો છે. આજે વડોદરા શહેરના ૨૭ જેટલા અને વડોદરા ગ્રામ્યના ૧૫ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. આજરોજ લેવાયેલા ૫૮૮૯ સેમ્પલોમાંથી ૫૪૮૬ નેગેટિવ અને ૪૦૩ પોઝિટિવ આવ્યા છે. જયારે ૨૬૦ મૃતંકમાં વધુ બેનો ઉમેરો થતા સરકારી ચોપડે મૃતાંકની સંખ્યા ૨૬૨ સુધી પહોંચી છે. હાલમાં કુલ ૩૩૭૦ દર્દીઓ છે.જેમાં ૩૦૭૬ સ્ટેબલ,૧૭૯ ઓક્સિજન ઉપર અને ૧૧૫ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. આજે સરકારી હોસ્પિટલોમાંથી આઠ, ખાનગી હોસ્પિટલોમાંથી ૧૮ અને હોમ આઇસોલેશનમાંથી ૨૦૧ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ દિવસ દરમ્યાન ૨૨૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગતરોજ સુધી કરાયેલા ૨૮૦૪૩ દર્દીઓમાં વધુ ૨૨૭નો ઉમેરો થતા સંખ્યા ૨૮૨૭૦ થઇ છે. કોવિદઃ૧૯ના જે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હોય છે. તેઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને હોમ ક્વૉર્ટનટાઇન કરવામાં આવે છે. આવી ૭૪૪૫ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરાઈ છે. આમ વડોદરામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધતા અને દર્દીઓની સંખ્યાની સાથોસાથ મૃતાંક વધતા હંગામી ધોરણે વધુને વધુ કોવીડ હોસ્પિટલો ઉભી કરવામાં તંત્ર જાેતરાઈ ગયું છે. જેને લઈને કેટલીક ઓક્સિજન પાર રહેલી હોસ્પિટલોને પણ સરકારી ખર્ચે અને જાેખમે જીવતદાન મળી જશે.

મેડિકલ કે ટ્રાવેલ ઈમરજન્સીમાં શહેર પોલીસ માત્ર એક ફોનથી મદદ કરશે

વડોદરા ઃ કોરોના કરફયૂમાં ફસાયેલા નાગરિકો અને મેડિકલ તેમજ ટ્રાવેલ ઈમરજન્સી દરમિયાન શહેર પોલીસે મદદ કરવા માટેનો માનવીય અભિગમ અપનાવ્યો છે. શહેર પોલીસ કમિશનર ડો. સમશેરસિંગ દ્વારા શુક્રવારે યોજાયેલી ઓનલાઈન મિટિંગમાં શહેરના તમામ પોલીસ ઈન્સપેકટર, મદદનીશ પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરોને હાલની કોવિડ-૧૯ની પરિસ્થિતિ અંગે કોરોના સંક્રમણ નિયંત્રણ બાબતે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ખાસ કરીને રાત્રિના ૮ થી સવારના ૬ સુધી કોરોના કરફયૂના સમયગાળા દરમિયાન શહેરના નાગરિકોને કોઈપણ મેડિકલ ઈમરજન્સી કે ટ્રાવેલિંગ ઈમરજન્સી અને બાળકોને લગતી કોઈ આકસ્મિક જરૂરિયાતમાં મદદ જાેઈએ તો સ્થાનિક પોલીસ તેમજ પોલીસ કંટ્રોલ રૂમનો નંબર - ૧૦૦ ડાયલ કરવાથી જરૂરી તમામ સહકાર આપવાની સૂચના આપવામાં આવી છે. જેથી નાગરિકોને આવી ઈમરજન્સીમાં પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

વડોદરા ગ્રામ્યમાં કોરોનાના દર્દીઓ નવ હજારને પર નીકળશે

વડોદરા શહેર કરતા અત્યાર સુધી સલામત રહેલા ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ વધુને વધુ બદતર બની રહી છે. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં ૮૭૪૧ કેસો નોંધાયા હતા.જેમાં આજે વધુ ૧૧૨ દર્દીઓ ઉમેરાતા આ સંખ્યા નવ હજારની નજીક પહોંચીને ૮૮૫૩ સુધી પહોંચી છે. વડોદરા શહેર અને રૂરલના કેસોની ઝોન વાઈઝ વાત કરવામાં આવે તો વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં ૪૮૭૮ દર્દીઓમાં વધુ ૫૩નો ઉમેરો થતા સંખ્યા ૪૯૩૧ સુધી પહોંચી છે.જયારે મૃતાંક ૪૫ છે. આજ પ્રમાણે પશ્ચિમ ઝોનમાં ૫૫૬૯ દર્દીઓમાં વધુ ૮૩નો ઉમેરો થતા સંખ્યા ૫૬૫૨ સુધી પહોંચી છે.જયારે મૃતાંક ૪૬ છે. આજ પ્રમાણે ઉત્તર ઝોનમાં ૬૩૧૧ દર્દીઓમાં વધુ ૭૫નો ઉમેરો થતા સંખ્યા ૬૩૮૬ સુધી પહોંચી છે.જયારે મૃતાંક ૫૮ છે. દક્ષિણ ઝોનમાં ૫૯૬૪ કેસમાં વધુ ૮૦નો ઉમેરો થતા સંખ્યા ૬૦૪૪ સુધી પહોંચી છે. જયારે મૃતાંક ૫૧ છે. આ ઉપરાંત વડોદરા ગ્રામ્યમાં ૮૭૪૧ કેસમાં વધુ ૧૧૨નો ઉમેરો થતા ૮૮૫૩ સુધી સંખ્યા પહોંચી છે.

પાલિકાના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૨૫૯ દર્દીઓ મળી આવ્યા

વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કરાયેલા હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૨૫૯ દર્દીઓ મળી આવ્યા છે.આ સર્વેમાં ૮૨૪ ટીમો દ્વારા ૭૮૮૭૩ ઘરોનો સર્વે કરીને ૩૧૭૬૭૭ની વસ્તીને આવરી લીધી છે. જેમાં ૭૭ તાવના અને ૧૧૩ શરદી-ખાંસીના મળીને કુલ ૨૫૯ દર્દીઓ જાેવા મળ્યા છે. આ ૮૨૪ ટીમો દ્વારા અત્યાર સુધીમાં ૩૧૮૩૪૮ ઘરોનો સર્વે કરીને ૧૨૫૦૯૬૯ની વસ્તીને આવરી લઈને ૨૮૪ તાવના અને શરદી-ખાંસીના ૪૧૪ તથા ૯૫૪ કુલ દર્દીઓ શોધી કાઢ્યા હતા.