વડોદરા, તા.૨૯

વડોદરાથી માત્ર દોઢેક કલાકના અંતરે ડભોઈ તાલુકામાં આવેલા વઢવાણા પક્ષી અભયારણ્ય ૬૩૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ હજારો માઈલ દૂરથી ઉડીને આવતા અવનવા પક્ષીઓનું અનેરૂ અને સુરક્ષિત વિશ્વ છે. ૧૩૫ થી વધુ જાતિના વિવિધ પક્ષીઓની આ અલગ દુનિયામાં ૩૫ થી વધારે જાતિના તો પ્રવાસી (યાયાવર) પક્ષીઓનો સમાવેશ થાય છે. હજારો કી.મી.નુ અંતર કાપીને આ વર્ષે માત્ર ડિસેમ્બર મહિનામાં જ ૬૦ હજાર થી વઘુ પક્ષીઓએ તળાવમાં સમય વિતાવ્યો છે.

વઢવાણાં તળાવ આમ તો સ્થાનિક પક્ષીઓ માટે આ રહેણાંક સ્થાન જેવું જ છે, પરંતુ જાે વિદેશી પક્ષીઓને જાેવા માટેનો શિયાળાનો આ જ સમય શ્રેષ્ઠ છે. કારણ કે, શિયાળામાં એટલે કે નવેમ્બરથી માંડીને ફેબ્રુઆરી કે માર્ચ સુધી અહીં યાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓનો મેળાવડો જામે છે. અહીં બતક, હંસ, બગલા-બગલી અને ડૂબકીઓ સહિતના અલગ-અલગ પ્રકારના પક્ષીઓ જાેવા મળે છે, જેમાં લાલ આંખ કારચિયા, સફેદ સુરખાબ, નાનો કલકલિયો, મોટો હંજ, નાની ડૂબકી, લુહાર સહિતના પક્ષીઓનો સમાવેશ થાય છે. હિમાલયનાં માનસરોવરથી રાજહંસોનું ટોળું, હિમાલયનાં સો-મોરીરીથી ભગવી સુરખાબ, આફ્રિકા અને સિંધ પ્રાંતમાંથી હંસોનું ટોળું, મધ્ય એશિયાનાં વિસ્તારોમાંથી ગુલાબી પેણ, સિંધ પ્રાંતમાંથી શિકારી પક્ષીઓ પણ અહીં આવીને તેમનુ સુરક્ષિત વિશ્વ મેળવી લે છે.

અહીં પક્ષીઓની વિવિધતા અને સુંદરતા માણવા તેમજ અભ્યાસ કરવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો છે. વઢવાણા ખાતે માત્ર ડિસેમ્બર મહિનામાં જ ૬૦ હજારથી વધારે પક્ષીઓએ પોતાના આ સુરક્ષિત વિશ્વમાં સમય વિતાવ્યો છે. વઢવાણા સરોવર ખાતે રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ, બાર હેડેડ ગીઝ, હેરિયર્સ, હવામાં કરતબો કરતું બ્લુ ટેઇલ્ડ બી ઇટર, પાણીમાં શિકાર કરતી લિટલ ગ્રેબ, તળાવ વચ્ચે લાકડાં પર બેસેલું સ્નેકબર્ડ ડાર્ટર, બોઇંગ વિમાનની જેમ પાણી પર ઉતરાણ કરતાં પેલિકન્સ, પાણીમાં ચાંચ ડૂબાડીને કોઈ તરતી સ્ટીમર માફક ટોળામાં ખોરાક શોધતા ફ્લેમિન્ગોઝ, ઊંચે આકાશમાંથી પાણીમાં છલાંગ લગાવીને એક જ ઝાટકે માછલી પકડીને ઊડતું ઓસ્પ્રે, સફેદ રૂ જેવું મુલાયમ કોટન પીગ્મી ગૂઝ, ઊડતાંવેંત જ સિસોટી મારતું લેસર વ્હીસલિંગ ડક વગેરે જેવાં વિવિધતમ સુંદર પક્ષીઓ જાેવા મળે છે. તે માટે અહીં ત્રણ વોચ ટાવર પણ બનાવ્યા છે.